________________
ભ્રમણ કથા
અધિક બિમારી થયેલી. ત્યારે સાધુઓને કહ્યું કે, મારે માટે સુંઠનો ગાંગડો લાવવો. તેઓ લાવ્યા, તે ગાંગડો વજ્રસ્વામીએ કાનમાં રાખ્યો. તેમણે વિચારેલું કે, ભોજન કરીને સૂંઠ લઈ લઈશ. પછી તેઓ ભૂલી ગયા. પછી સંધ્યાકાળે આવશ્યક કરતા મુહપત્તિની પ્રતિલેખના કરતા હાથ કાન પાસે ગયો. ત્યારે હાથ લાગવાથી સૂંઠનો ગાંગડો પડી ગયો. ત્યારે તેમનો ઉપયોગ ગયો તેમને થયું કે, અહો ! હું પ્રમાદી થઈ ગયો. પ્રમાદીને સંયમ ન હોય, મારે માટે હવે શ્રેયસ્કર છે કે, હું ભક્ત પ્રત્યાખ્યાન કરું.
દુકાળને પણ બાર વર્ષ થઈ ગયા. ચારે તરફ રસ્તાઓ છિન્ન—ભિન્ન થઈ ગયા. નિરાધારતા જન્મી હતી. તે વખતે વજ્રસ્વામી વિદ્યા દ્વારા લાવેલ પિંડ પ્રવ્રુજિતોને આપતા હતા. તેઓને કહ્યું કે, આ પ્રમાણે બાર વર્ષ ભોજન કરવું પડશે. ભિક્ષા મળતી નથી. જો સંયમ ગુણોનો નાશ કરવો હોય તો આ ભોજન કરો અને જો તેમ ન કરવું હોય તો ભક્ત પ્રત્યાખ્યાન કરીએ. ત્યારે તેઓએ કહ્યું, કેમ આવા વિદ્યાપિંડથી ભોજન કરવું ? તેના કરતા ભક્ત પ્રત્યાખ્યાન કરીએ.
૧૯૭
આચાર્ય ભગવંત પૂર્વે જાણીને વજ્રસેન નામના શિષ્યને મોકલીને પ્રસ્થાપિત કર્યો અને કહ્યું કે, જ્યારે તને લક્ષ મૂલ્યવાળી ભિક્ષા પ્રાપ્ત થાય ત્યારે જાણજે કે, દુકાળનો નાશ થયો છે. પછી વજ્રસ્વામી શ્રમણ ગણથી પરિવૃત્ત થઈ એક પર્વત ચઢવાનું શરૂ કર્યું. અહીં આપણે ભક્ત પ્રત્યાખ્યાન કરીએ. માત્ર એક બાળ સાધુને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. તે બાળ સાધુ ત્યાંથી જવા ઇચ્છતા ન હતા. ત્યારે કોઈ એક ગામમાં તે છૂટા પડ્યા, પછી પર્વત ચડી ગયા. તેણે કોઈને અસમાધિ ન થાય તેમ વિચારી નીચે કોઈ શિલાતલે પાદપોપગત અનશન સ્વીકાર્યું. ત્યારે તે બાળ સાધુ જેમ તાપથી માખણ ઓગળે તેમ ત્યાં ઓગળી ગયા અને અલ્પ કાળમાં કાળધર્મ પામ્યા. દેવોએ મહોત્સવ કર્યો.
ત્યારે વજ્રસ્વામીએ કહ્યું, તે બાળસાધુએ પોતાનું કાર્ય સાધી લીધું. ત્યારે બીજા સાધુઓ બમણી શ્રદ્ધાથી સંવેગપૂર્વક બોલ્યા કે, જો તે બાળક હોવા છતાં આત્મકલ્યાણ સાધીને ગયા, તો પછી અમે કેમ તેથી પણ સારી આરાધના ન કરીએ ? ત્યાં પ્રત્યનીક દેવોએ તે સાધુઓને શ્રાવકરૂપે ભોજન-પાન માટે નિમંત્રણા કરી. હે ભગવન્ ! હવે પારણું કરો. ત્યારે વજ્રસ્વામીએ જાણ્યું કે, આ અપ્રીતિક અવગ્રહ છે. તેથી ત્યાંથી નીકળી બીજા પર્વત પર ગયા. ત્યાં દેવતાનો કાયોત્સર્ગ કર્યો. ત્યાંની અધિષ્ઠાત્રી દેવીએ આવીને કહ્યું, મારા પર અનુગ્રહ કરો. અહીં જ રહો. ત્યાં તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
ત્યારપછી ઇન્દ્ર રથ સાથે આવ્યો અને વંદન કર્યું. પછી પ્રદક્ષિણા કરી. તરુવર– તૃણ આદિ પણ નમ્યા. ત્યારથી આજપર્યંત તે પર્વત થાવર્ત પર્વત કહેવાય છે. ત્યારપછી અર્ધનારાચ સંઘયણ અને દશમું પૂર્વ વિચ્છેદ પામ્યું.
પારિણામિકી બુદ્ધિમાં વજ્રસ્વામીનું દૃષ્ટાંત અપાય છે. જેમકે સંઘની અવહેલના ન કરવી તે માટે માતાની પાસે ન જવું, દેવે ઉજ્જૈનીમાં વૈક્રિયલબ્ધિ આપી, પુરિકામાં પ્રવચનની અપભ્રાજના ન થાય તે માટે જે કંઈ કર્યું, આદિ સર્વ કથન વજ્રસ્વામીની પારિણામિકી બુદ્ધિનું જાણવું.