________________
૨૦૮
આગમ કથાનુયોગ-૪
એવા તે બંને ભગવંતની સાથે પૃથ્વીતલ પર વિચરતા હતા. વિવિધ તપ આદિમાં રક્ત હતા. કષ્ટકારી અનુષ્ઠાનમાં લીન હતા. ધીમે ધીમે તેમના શરીર શોષાવા લાગ્યા. માત્ર શુષ્ક હાડકાં, નસો, ચામડી દેખાવા લાગ્યા. એ પ્રમાણે વિચરતા તેઓ રાજગૃહ પધાર્યા. માસક્ષમણનું પારણું આવ્યું. ત્યારે ધન્ય અને શાલિભદ્ર પારણે વહોરવા જવા માટે ભગવંત મહાવીર પાસે આજ્ઞા લેવા આવ્યા. ત્યારે ભગવંતે શાલિભદ્રને કહ્યું કે, આજે તું માતાના હાથે પારણું કરીશ અર્થાત્ તારી માતા તને પારણાનો આહાર વહોરાવશે.
ગૌચરી માટે ભ્રમણ કરતા તેઓ પોતાના ઘેર (ભદ્રા શેઠાણીના ઘરે) પહોંચ્યા. તે વખતે શાલિભદ્ર અને ધન્યમુનિ પણ ભગવંત મહાવીર સાથે પધારેલા છે તે જાણી ભદ્રા માતા તથા બત્રીશે પુત્રવધૂ તેમના દર્શન માટે ઉત્કંઠિત થયેલા હોવાથી પરિવાર સાથે જવા માટે ઉતાવળા થયા હતા. તે વખતે ધન્ય અને શાલિભદ્રને કોઈએ ઓળખ્યા નહીં કે તે તરફ લક્ષ્ય આપ્યું નહીં. તેથી ત્યાં આહાર પ્રાપ્ત ન થયો.
ત્યારપછી ત્યાંથી પાછા વળેલા શાલિભદ્ર (તથા ધન્ય)ને માર્ગમાં કોઈ ગોવાલણે જોયા. શાલિભદ્રને જોતાની સાથે જ તે ગોવાલણના મનમાં નેહ ઉભરાઈ આવ્યો. સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, હર્ષાશ્રુ વહેવા લાગ્યા. તેણીએ દહીંની મટકી માથેથી ઉતારીને શાલિભદ્રને દહીં વહોરાવી દીધું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુદ્ધિ જોઈને તેઓએ પણ દહીં વહોરી લીધું. શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચીને આહાર બતાવ્યો, આલોચના કરી, પછી પૂછયું કે, હે ભગવન્! આપે કહેલું કે, મારી માતાને હાથે પારણું થશે, તો આમ કેમ ? ત્યારે ભગવંતે જણાવ્યું કે, જેણે તેને દહીં વહોરાવ્યું તે તારા ગયા ભવની માતા જ હતા.
ત્યારે આ સંબંધે વિચારણા કરતા અનુક્રમે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવ્યો. તેને થયું કે, “આ સ્નેહને ધિક્કાર થાઓ.” મારા પૂર્વભવની જે માતા છે તે હજી સ્નેહ ધારણ કરે છે અને આ ભવની માતાએ મને ઓળખ્યો પણ નહીં. ત્યારે વિકૃષ્ટ તપ વડે ક્ષીણ દેહ થયેલા તેમણે ભગવંત પાસે જઈ અનુમતિ માંગી કે, હું ભગવન્! હું હવે અનશન અંગીકાર કરવા ઇચ્છું છું. ત્યારે ધન્યમુનિએ પણ અનશન કરવા માટે અનુમતિ માંગી. વીર ભગવંતે તે બંનેને અનુમતિ આપી.
ત્યારે તે બંને મહામુનિઓ નાલંદા સમીપે વૈભારગિરિ–પર્વત ગયા. (બીજા મતે કોઈ શ્મશાનમાં ગયા, ત્યાં બંનેએ ધગધગતા શિલાયુગલ પર પાદોપગમન અનશનનો
સ્વીકાર કર્યો. સમાધિપૂર્વક સંખનામાં સ્થિર થયા. આ સમયે ભદ્રામાતા બધી પુત્રવધૂ સાથે ભગવંત મહાવીર પાસે પહોંચ્યા. ભગવંતને વંદના કરી, પછી પૂછ્યું કે, હે ભગવંત! શાલિભદ્ર (અને ધન્ય)મુનિ કયાં છે ? ત્યારે ભગવંતે તેમને કહ્યું કે, તમારે ઘેર તે બંને મુનિ પધારેલા. પણ કોઈએ ઓળખ્યા નહીં અને પૂર્વભવની ગોવાલણ માતાએ દહીં વડે પારણું કરાવ્યું. તેથી સર્વ જીવોને ખમાવીને, આજ્ઞાપૂર્વક તેઓએ જઈને પાદોપગમન અનશન સ્વીકારેલ છે.
મનમાં શોકવાળી માતા ભદ્રા પુત્રવધૂઓ સાથે તે સ્થાને ગયા. તેમણે જોયું કે, વૃક્ષ ભૂમિ પર પડેલું હોય તે રીતે તે બંને મુનિ પાદોપગમન અનશન્ને સ્વીકારીને ત્યાં રહેલા છે.