________________
આગમ કથાનુયોગ–૪
કરાવ્યા, કસ્તુરીના થાપા દેવડાવ્યા. મનોહર રંગાવલિ તૈયાર કરાવી. તેના પર રત્નાવલીના સાથિયા કરાવ્યા. પુષ્પ અને માળાઓનું સુશોભન કરાવ્યું. માર્ગને શોભિત કર્યો. સુગંધિ પદાર્થો યુક્ત જળનો છંટકાવ કર્યો.
૨૦૬
ત્યારપછી રાજા શ્રેણિક શાલિભદ્રને ત્યાં જવા નીકળ્યો. જ્યારે તે શાલિભદ્રને ઘેર પહોંચ્યો ત્યારે ભદ્રા શેઠાણીએ તેમને સ્વાદયુક્ત રસવંતી જમાડી. પછી નાગરવેલના નવીન અખંડ પાનનું બનાવેલું તાંબૂલ આપ્યું. મરકત, મોતી, હીરા, માણેક, વસ્ત્રોનું ભેંટણું આપ્યું પછી શ્રેણિકે કહ્યું કે, હે માતા ! હજું શાલિભદ્ર કેમ દેખવામાં આવ્યો નહીં ? જો તે ન આવી શકે તો મને કહો હું તેની પાસે જઈને ભેટું.
ત્યારે ભદ્રા માતા ઘરના ઉપરની સાતમી ભૂમિએ – સાતમે માળે પહોંચ્યા. તેને કહ્યું કે, હે પુત્ર ! આપણે ત્યાં શ્રેણિક આવેલા છે. તો વત્સ ! તું તલભૂમિ પર નીચે આવ. ત્યારે શાલિભદ્રએ કહ્યું, હે માતા ! શ્રેણિક જે કંઈ હોય તેમાં મને શી ખબર પડશે ? તેની જે કિંમત થતી હોય તે ચૂકવીને લઈ લ્યો. તેમાં મારે નીચે આવવાની શી જરૂર છે ? ત્યારે માતાએ તેને સમજાવ્યું કે, આ શ્રેણિક કોઈ ખરીદવાની વસ્તુ નથી. તે તો તારો અને મગધદેશના મહારાજા છે. માટે હે વત્સ ! નીચે ઉતરીને તેને જુહાર કર. ઘેર આવેલાનું યોગ્ય સન્માન—સત્કાર આપણે કરવું જોઈએ.
આ સાંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે, તો શું મારે માથે પણ કોઈ બીજો સ્વામી છે ? એવું વિચારતા તેનું મન દુભાયું. સાતમી ભૂમિથી છેક નીચે ભૂમિતલ પર આવીને ઉત્તમ ભેટણું ધરી રાજાને પગે પડ્યો. રાજાએ પણ તેને ઘણાં રત્નાભૂષણો આપ્યા. શ્રેણિકે તેને પોતાના ખોળામાં બેસાડ્યો. મીષ્ટ વચનોથી તેને બોલાવ્યો. પણ શ્રેણિક રાજાના સ્પર્શને સહન ન કરી શકતો એવો શાલિભદ્ર ઘણો વ્યથિત થવા લાગ્યો. માલતીપુષ્પોની માળા કરમાઈ ગઈ. તે ક્ષણો મહામુશ્કેલીથી તેણે પસાર કરી. શ્રેણિકના ખોળામાં તેનું સુકુમાર શરીર ચળવળવા લાગ્યું. તે જોઈને રાજાએ તેને કહ્યું કે, હે પુત્ર! હવે તું તારા સ્થાને જા.
પછી શ્રેણિક રાજાને ધારાગિરિ મહેલમાં સ્નાનક્રીડા કરાવવા લઈ ગયા. ત્યાં વિલાસ કરતાં કરતાં રાજાની વીંટી (હસ્તનું મુદ્રારત્ન) જળમાં પડી ગયું. ઘણી તપાસ કરતાં હાથ ન લાગ્યું. ભદ્રાની આજ્ઞા પામેલી દાસી તે વાવડીના જળને ઠાલવવા લાગી. ત્યારે તેમાં ઘણાં રત્નો ભરેલા હતા. તેમાં રહેલી શ્રેણિકની આ મુદ્રિકા કાળા કોલસા જેવી ઓળખાઈ આવી. ત્યારે શ્રેણિકે ભદ્રા શેઠાણીને પૂછ્યું કે, આવા ઉત્તમ આભુષણો ત્યાગ કેમ કરી દો છો ? ત્યારે તેણીએ જવાબ આપ્યો કે, મારો પુત્ર અને પુત્રવધૂ હંમેશાં નવાં નવાં આભૂષણો પહેરી બીજા દિવસે નિર્માલ્યની જેમ ફેંકી દે છે. રાજા તે સાંભળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. પછી મહેલે પાછો ફર્યો. ૦ શાલિભદ્રના વૈરાગ્ય પરિણામ :
આ તરફ પોતાના પ્રાસાદના સાતમા ભૂમિતલ પર પહોંચીને શાલિભદ્ર તત્ત્વ વિચારવા લાગ્યો કે, ખરેખર ! હું નિર્ભાગી છું, અતિપ્રમાદી બની ગયો છું. તરુણ– તરુણીમાં ઘણી આસક્તિ કરીને મેં મારું મનુષ્યજીવન નિષ્ફળ બનાવ્યું છે. પૂર્વ જન્મના