________________
ભ્રમણ કથા
૪૫
૦ અર્ણિકાપુત્ર કથા ઃ
શ્રેણિકના પુત્ર કોણિક, કોણિકના પુત્ર ઉદાયિ હતા. પિતાના મૃત્યુ બાદ શોકમગ્ન થયેલા ઉદાયિને મંત્રીએ કહ્યું કે, હે સ્વામી ! તમે કોઈ નવીન નગરી વસાવો. નવીન નગરી માટેની ભૂમિ શોધવા તેણે ચતુર નૈમિત્તિકોને મોકલ્યા. મંત્રીઓ પણ તેવા સ્થળને શોધવા માટે ગંગા નદીના તટ સુધી ગયા. ત્યાં તેમણે પુષ્પથી લાલ દેખાતું અને છાયાવાળું પાટલી (રોયડા) નામનું વૃક્ષ જોયું. તે જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા. તે વૃક્ષ ઉપર બેઠેલા ચાસ પક્ષીના મુખમાં જીવડાં પોતે આવીને પડતાં. તે જોઈને તેમને વિચાર થયો કે, જો આપણે અહીં જ નગર વસાવીશું, તો જેમ આ પક્ષીના મુખમાં જીવડાં આપોઆપ આવીને પડે છે, તેમ આપણા રાજાને પણ સર્વ સંપદાઓ સ્વયમેવ પ્રાપ્ત થશે.
તેઓએ આવીને રાજાને વાત કહી. ઉદાયી રાજા પણ ચિત્તમાં હર્ષ પામ્યો. તેણે પણ એક વૃદ્ધ અને વિચક્ષણ નૈમિત્તિકને તે તરુવરના માહાત્મ્ય વિશે પ્રશ્ન કર્યો. ત્યારે નૈમિત્તિકે કહ્યું કે, હે રાજન્ ! તે વૃક્ષનું સ્વરૂપ ઘણું ઉત્તમ છે. કોઈ જ્ઞાની પુરુષે કહેલું કે, તે કોઈ મહામુનિની ખોપરીમાંથી તે જન્મ પામ્યું છે વળી તે એકાવતારી છે અને મૂળનો જીવ છે, માટે સવિશેષ માનવા યોગ્ય છે. ત્યારે રાજાએ પૂછયું, તે મહામુનિ કોણ છે ? ત્યારે વૃદ્ધ નૈમિત્તિક બોલ્યો
O
અર્ણિકાપુત્રનો જન્મ અને દીક્ષા :–
ઉત્તર મથુરામાં દેવદત્ત નામે વણિક હતો. તે એકદા દ્રવ્ય ઉપાર્જનને માટે દક્ષિણ મથુરામાં આવ્યો. ત્યાં તેને જયસિંહ નામના વણિકપુત્ર સાથે મૈત્રી થઈ. એકદા જયસિંહને ત્યાં દેવદત્ત જમવા ગયો. ત્યાં જયસિંહની બહેન અર્ણિકા પીરસવા આવી. દેવદત્ત તેણીના સૌંદર્યમાં અનુરક્ત થયો. દેવદત્તે જયસિંહ પાસે અર્ણિકાની માંગણી કરી, ત્યારે જયસિંહે શરત કરી કે જે તેણીને પરણીને મારા ઘરમાં જ રહેશે, તેને હું મારી બહેન આપીશ. દેવદત્તે તે વાતનો સ્વીકાર કર્યો. ઉત્તમ દિવસે તે બંનેના લગ્ન થયા.
ત્યારપછી દેવદત્ત અને અર્ણિકા સંસાર સુખ ભોગવવા લાગ્યા. તેટલામાં તેમના માતાપિતાનો લેખ મળ્યો કે, હે પુત્ર ! હવે જો તું અહીં આવશે તો જ અમે જીવતા રહીશું. ત્યારે દેવદત્તની આંખમાં આંસુ આવી ગયા. પછી અર્ણિકાના અતિ આગ્રહથી તે બંને ઉત્તર મથુરા તરફ જવા માટે નીકળ્યા. ત્યારે અર્ણિકા ગર્ભવતી હતી. માર્ગમાં પુત્રને જન્મ આપ્યો. જન્મકાર્ય પછી તેણીએ કહ્યું કે, મારા પુત્રનું નામ સાસુ–સસરા પાડશે. પણ રસ્તામાં સર્વ પરિવાર તેને અર્ણિકાપુત્ર કહીને બોલાવવા લાગ્યા.
ઇષ્ટ સ્થાને પહોંચ્યા પછી દેવદત્ત માતાપિતાને મળ્યો. અર્ણિકા પણ વિનયપૂર્વક સાસુસસરાના ચરણમાં નમી. તેમણે પુત્રનું સંધીરણ એવું નામ પાડ્યું. પ્રસિદ્ધિમાં તો તેનું નામ અર્ણિકાપુત્ર જ રહ્યું. અનુક્રમે અર્ણિકાપુત્ર યૌવનવય પામ્યો. ધર્મનું શ્રવણ કરી, તેને ભોગો તૃણ સમાન લાગવા માંડ્યા. તેથી તેણે આચાર્ય જયસિંહ પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે વિનયપૂર્વક અભ્યાસ કરી તેઓ આચાર્ય પદ પામ્યા. બહુ પરિવારયુક્ત એવા તે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. ત્યારે કોઈ વખતે વિચરણ કરતા કરતા પુષ્પભદ્ર નગરે પહોંચ્યા.