________________
શ્રમણ કથા
૧૨૫
જવા માટેની આજ્ઞા કરીને કહ્યું કે, તું એક સ્થાને છૂપાઈ રહેજો અને વરરુચિ જળમાં જે કંઈ સ્થાપન કરે, તે લઈને હે ભદ્ર! તું મને આપી દેજે. પેલા પરણે ત્યાં જઈને વરરચિએ સ્થાપેલી સોના–મહોરની પોટલી લઈને શકટાલ મંત્રીને આપી દીધી. પ્રભાતકાલે નંદ રાજા અને શકટાલ મંત્રી બંને ગયા. ત્યારે વરરચિ ગંગાકાંઠે દેવીની સ્તુતિ કરતો દેખાયો. સ્તુતિ કરીને તેણે ગંગાજળમાં ડૂબકી મારી. પછી યંત્રને હાથ અને પગ વડે વારંવાર ઠોકવા લાગ્યો. પણ સોના–મહોર મળી નહીં એટલે વિલખો થયો, શરમાઈ ગયો.
ત્યારે વરરચિની કપટ કળાને પ્રગટ કરીને શકટાલમંત્રીએ હાથમાં રહેલી સોનામહોરોની પોટલી રાજાને બતાવી. ત્યારે વરરુચિ અપભ્રાજના પામીને ત્યાંથી ચાલ્યો ગયો. પછી તે શકટાલ મંત્રીના છિદ્રો શોધવા લાગ્યો. કેમકે શકટાલમંત્રીએ તેનું સર્વ વિનાશિત કર્યું હતું. કોઈ દિવસે શકટાલમંત્રીના પુત્ર શ્રીયકના વિવાહનો પ્રસંગ આવ્યો. ત્યારે આ પ્રસંગ નિમિત્તે રાજાને ભેટ આપવાના હેતુથી વિવિધ પ્રકારના શસ્ત્રો ગુપ્ત રીતે તૈયાર કરાવવા શરૂ કર્યા. વરરચિએ શકટાલની દાસીને લાલચ આપી, એટલે તેણે મંત્રીના ઘરના રહસ્યો વરરુચિને પહોંચાડ્યા. વરરુચિને છિદ્ર મળી ગયું.
ત્યારે વરરુચિએ બાળકોને લાડુ આપી એવા પ્રકારે શીખવ્યું કે, નંદરાજા એ જાણતા નથી કે આ શકટાલ શું કરી રહ્યો છે ? તે નંદરાજાને મારીને પોતાના પુત્ર શ્રીયકને રાજગાદીએ બેસાડવા માંગે છે. ત્યારે તે બાળકો ચોરે અને ચૌટે આ વાત બોલવા લાગ્યા. આ વાત ધીરે ધીરે રાજા સુધી પહોંચી. રાજાએ પોતાના ગુપ્તચરો દ્વારા મંત્રીના ઘેર તપાસ કરાવી. ગુપ્તપણે હથિયારો ઘડાતાં જોઈને ગુપ્તચરોએ આ વાત રાજાને જણાવી. રાજા મંત્રી પર કોપાયમાન થયો. જ્યારે શકટાલમંત્રી રાજકાર્ય માટે આવ્યા અને રાજાને પગે પડ્યા ત્યારે રાજાએ મોં ફેરવી લીધું.
ત્યારે શકટાલમંત્રી ઘેર ગયો. કાવતરું થયું જાણીને તેણે ઘેર શ્રીયકને કહ્યું કે, હે પુત્ર ! જો હું મૃત્યુ નહીં પામીશ, તો રાજા આખા કુટુંબને મારી નાંખશે. માટે હે વત્સ !
જ્યારે હું રાજાના પગે પડવા જાઉં ત્યારે નિઃશંકપણે તારે મને મારી નાંખવો. તે સાંભળી શ્રીયકે પોતાના કાનમાં આંગળી નાંખી દીધી. ત્યારે શકટાલે કહ્યું કે, તારે પિતૃહત્યાનો ભય ન રાખવો કેમકે હું પહેલાં જ મારા મુખમાં તાલપુટ વિષ મૂકી રાખીશ. માટે હું પગે પડીશ ત્યારે મરેલ જ હોઈશ, પછી તું નિઃશંકપણે મારા મસ્તકને છેદી નાંખજે. ૦ શકટાલનું મૃત્યુ અને સ્થૂલભદ્રની દીક્ષા :
સર્વ કુટુંબના વિનાશથી બચવા માટે શ્રીયકે અનિચ્છાએ પિતાનું વચન સ્વીકાર્યું. તે જ પ્રમાણે રાજાના પગમાં પડતાં શકટાલ મંત્રીનું મસ્તક તલવારથી છેદી નાંખ્યું. એ જોઈ નંદરાજા ચિત્કારી ઉઠ્યો - અહોહો! આ શું અકાર્ય કર્યું ? ત્યારે શ્રીયકે કહ્યું કે, હે દેવ! આપ વ્યાકુળ ન થાઓ. હંમેશાં ઉત્તમ સેવકો સ્વજનો અને સ્વાર્થ કાર્યો છોડીને સ્વામીના જ કાર્યો કરનારા હોય છે, તેથી જે આપને પ્રતિકૂળ હોય તે માટે પણ પ્રતિકૂળ છે. માટે મારે આવા પિતાની જરૂર નથી. ત્યારે રાજાએ કહ્યું કે, હે શ્રીયક ! આ તેં સારું કર્યું, તું હવે આ મંત્રીપદનો સ્વીકાર કર. ત્યારે શ્રીયકે કહ્યું, મારે સ્થૂલભદ્ર નામે મોટાભાઈ છે. તે બાર વર્ષથી ગણિકાને ત્યાં રહેલા છે. આ મંત્રીપદ તેમને સોંપવું જોઈએ.