________________
૪૬
આગમ કથાનુયોગ-૪
૦ પુષ્પચૂલાનો પ્રબંધ :
પુષ્પભદ્ર કે પુષ્પદંત નગરમાં પુષ્પકેતુ નામે એક રાજા હતો, તેને પુષ્પવતી નામે રાણી હતી. તેમણે એક યુગલને જન્મ આપ્યો. તે પુત્ર-પુત્રીનું પુષ્પચૂલ અને પુષ્પચૂલા એવું નામ રાખ્યું. તેઓ બંને પરસ્પર અતિગાઢ સ્નેહવાળા હતા. રાજાને વિચાર આવ્યો કે, આ બંનેને પરસ્પર આટલી પ્રીતિ હોવાથી તેઓ છૂટા ન પડે તે માટે બંનેના જ લગ્ન કરવા. એમ ધારીને પુષ્પચૂલના પુષ્પચૂલા સાથે વિવાહ કર્યા. માતા પુષ્પવતીને આ ઘટનાથી ઘણો જ નિર્વેદ ઉત્પન્ન થયો. તેણીએ પ્રવજ્યા અંગીકાર કરી. કાળક્રમે તે મૃત્યુ પામી દેવલોકે ઉત્પન્ન થઈ.
પુષ્પકેતુ રાજા પણ મૃત્યુ પામ્યો. પુષ્પયૂલ રાજા થયો. આ તરફ દેવપણું પામેલ પુષ્પવતીના જીવે અવધિજ્ઞાન વડે પોતાના પુત્ર-પુત્રીનું અકૃત્ય જાણી, સુખે સૂતેલી પોતાની પુત્રીને નરકના ભયંકર દુઃખો દેખાડ્યા. તે ભયભીત થઈને જાગી. પોતાના પતિ પુષ્પચૂલ પાસે જઈને તેણીએ સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. પછી પુષ્પવતીદેવે રોજ પોતાની પુત્રીને નરકના દુઃખ દેખાડવા શરૂ કર્યા ત્યારે રાજાએ સર્વ ધર્મના આચાર્યોને બોલાવીને પૂછયું કે, નરકનું સ્વરૂપ કેવું હોય છે ? દરેકે પોતપોતાના મતાનુસાર નરકનો વૃતાંત જણાવ્યો. પણ પુષ્પચૂલા રાણીએ તેમાંથી એક પણ મતનો સ્વીકાર ન કર્યો. ૦ અર્ણિકાપુત્ર આચાર્ય સાથે પુષ્પચૂલાનો સંવાદ –
ત્યારપછી રાજા અને રાણી અર્ણિકાપુત્ર આચાર્ય પાસે ગયા. તેઓને પૂછયું કે, નરકનું સ્વરૂપ કેવું હોય ? ત્યારે આચાર્ય ભગવંતે સાતે નરક, ત્યાની વેદના, પરમાધામી કૃત્ વેદના, અન્યોન્ય વેદના ઇત્યાદિ સર્વે વાત જણાવી. તે સાંભળીને પુષ્પચૂલા રાણીએ પૂછયું, હે ભગવન્! શું આપે પણ તે વૃત્તાંત સ્વપ્ન દ્વારા જાણ્યો છે, ત્યારે આચાર્ય મહારાજે સમજાવ્યું કે, જિનેશ્વરે કહેલા આગમથી સર્વ નરકાદિ સ્વરૂપ સમજાય છે.
ફરી પુષ્પવતી દેવે તેને કોઈ રાત્રિએ સ્વપ્નમાં દેવલોકનું સ્વરૂપ દેખાડ્યું દેવ સમુદાય સ્વર્ગમાં કેવા સુખો ભોગવે છે, તેનું દર્શન કરાવ્યું. પહેલાંની જેમ ફરી પણ તેણીએ આચાર્ય ભગવંતને પૂછયું – તેમણે પણ સ્વર્ગ અને ત્યાંના સુખોનું યથાર્થ વર્ણન કર્યું. ત્યારે પુષ્પચૂલા રાણી અતિ હર્ષ પામી અને તેણીએ નરકના દુઃખો અને સ્વર્ગની સંપત્તિ પ્રાપ્તિનો ઉપાય પૂછયો. ત્યારે આચાર્ય ભગવંતના ઉત્તરથી સંતુષ્ટ થયેલી, વિષયોનો સંગ ત્યાગ કરીને પ્રવજ્યા અંગીકાર કરવા માટે તેણી તૈયાર થઈ. પછી રાજાની અનુમતિ માંગી. ત્યારે રાજાએ કહ્યું કે, જો તું અન્યત્ર કયાંય વિહાર ન કરવાનું કબૂલ કરે તો હું તને અનુમતિ આપું. ૦ પુષ્પચૂલાની દીક્ષા અને કેવળજ્ઞાન :
રાજાનું વચન અંગીકાર કરીને તેણીએ દીક્ષા લીધી. પતિના ઘરમાં રહી બેતાળીશ દોષરહિત આહાર ગ્રહણ કરવા લાગ્યા. કોઈ વખતે અર્ણિકાપુત્ર આચાર્યએ જ્ઞાનના બળે જાણ્યું કે, “મોટો દુકાળ પડશે.” એમ જાણીને પોતાના શિષ્યોને દેશાંતર મોકલી દીધા. પણ પોતાનું જંઘાબળ ક્ષીણ થવાને કારણે પોતે વિહાર કરી શકતા ન હતા. પોતે એકલા જ અહીં નગરમાં રહેવા લાગ્યા. પુષ્પચૂલા સાધ્વી વિચિત્ર આકરા તપકર્મ કરી પાપને નાશ