________________
પદ
આગમ કથાનુયોગ-૪
૦ અષાઢાભૂતિ કથા -
- રાજગૃહી નગરે સિંહરથ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરમાં વિશ્વકર્મા નામે નટ હતો. તે નટને બે પુત્રીઓ હતી. (ભુવનસુંદરી અને જયસુંદરી) આ બંને પુત્રીઓ અતિ સુંદર અને શ્રેષ્ઠ રૂપવાળી હતી. તેમની મુખની કાંતિ સૂર્યના કિરણો કરતા પણ અધિક હતી. નેત્રયુગ્મ કમળ કરતા પણ સુંદર હતા. પુષ્ટ, ઊંચા અને આંતર રહિત એવા સ્તનો, સુંદરબાહુ, સુંદર ત્રિવલિ યુક્ત કમર, વિશાળ–કોમળ જઘન, હાથીના બચ્ચાની સૂંઢ સમાન સાથળ, કુરૂવિંદાકાર ગોળ જંઘા, કાચબા સમાન ઉન્નત ચરણ, શિરિષપુષ્પ સમાન કોમળ, મધુર વચનથી યુક્ત એવી તે બે કન્યાઓ હતી. ૦ અષાઢાભૂતિનું ભિક્ષાર્થે ગમન અને માયાપિંડ :
કોઈ વખતે ધર્મચિ નામના આચાર્ય વિહાર કરતા ત્યાં પધાર્યા. તેમને બુદ્ધિના નિધાનરૂપ અષાઢાભૂતિ નામે એક શિષ્ય હતા. તે ગુરુ આજ્ઞાપૂર્વક ભિક્ષાર્થે અટન કરતા કોઈ વખતે વિશ્વકર્મા નટના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે વિશ્વકર્માની કન્યાઓએ તેમને સુગંધી દ્રવ્યયુક્ત એક લાડવો વહોરાવ્યો. બહાર નીકળીને અષાઢાભૂતિએ વિચાર્યું કે, આ લાડુ તો આચાર્ય મહારાજ ગ્રહણ કરશે. તેથી હું રૂપ પરિવર્તન કરી મારે માટે બીજો એક લાડુ માંગુ. એમ વિચારી કાણાંનું રૂપ કરી ફરીથી તે ઘરમાં ગયા. બીજો મોદક પ્રાપ્ત થયો. ફરી વિચાર્યું કે આ લાડવો ઉપાધ્યાયનો થશે, એમ વિચારી કુન્જનું રૂપ બનાવી ફરીથી તે જ ઘરમાં પ્રવેશ્યા. ત્રીજો લાડવો પ્રાપ્ત થયો. વળી વિચાર્યું કે આ લાડવો તો બીજા સંઘાટક સાધનો થશે. એમ વિચારી કુષ્ટીનું રૂપ કરી ચોથી વખત ગયા. ચોથો લાડવો પ્રાપ્ત કર્યો. એ રીતે રૂપ પરાવત્તન કરી એક–એક લાડું પ્રાપ્ત કરવા લાગ્યા.
ઉપરના માળે બેઠેલા વિશ્વકર્મા નટે અષાઢાભૂતિનું આ સર્વ ચરિત્ર નિહાળ્યું. ત્યારે તે નટને વિચાર આવ્યો કે અમારા મધ્યે આ સાધુ ઉત્તમ નટ થઈ શકે તેમ છે, પણ તેને કુયા ઉપાયથી ગ્રહણ કરવા. એમ વિચારતા તેને એવી બુદ્ધિ ઉત્પન્ન થઈ કે, મારી પુત્રીઓથી લોભ પમાડીને મારે આને ગ્રહણ કરવો જોઈએ. એમ વિચારી માળ ઉપરથી નીચે આવ્યા. આદરપૂર્વક અષાઢાભૂતિને બોલાવી તેમનું પાત્ર ભરાઈ જાય તેટલા લાડવા વહોરાવ્યા. પછી વિનંતી કરી કે, હે પૂજ્ય ! આપે હંમેશાં અહીંથી ભક્તપાન ગ્રહણ કરીને અમારા પર અનુગ્રહ કરવો. ત્યારપછી અષાઢાભૂતિ પોતાના ઉપાશ્રયે ગયા. ૦ અષાઢાભૂતિનું પતન :
ત્યારપછી વિશ્વકર્માએ પોતાના કુટુંબને તે સાધુનો અન્યાન્ય રૂપપરાવર્તનો વૃત્તાંત કહ્યો. બંને પુત્રીઓને કહ્યું કે, તમારે આદરસહિત દાન અને પ્રીતિ દેખાડવાપૂર્વક એવી રીતે વર્તવું કે જેથી તે તમને વશ થાય. અષાઢાભૂતિમુનિ પણ રોજ તેમના ઘેર આવીને નિત્યપિંડ ગ્રહણ કરવા લાગ્યા. પેલી બે નટકન્યા પણ હાવભાવ, વિલાસાદિ કરવા પૂર્વક, મર્મ વચન બોલતી તે જ પ્રમાણે ઉપચાર કરવા લાગી. જ્યારે તેણીએ જાણ્યું કે, હવે આ સાધુ ખરેખર તેણીઓ પરત્વે રાગી થયેલા છે ત્યારે એકાંત જાણીને તે બંને નટકન્યાઓએ કહ્યું કે, અમે તમારા પર અત્યંત રાગવતી છીએ, તેથી તમે અમને પરણીને ભોગ ભોગવો.