________________
શ્રમણ કથા
૩૭
ત્યારે રક્ષિતને વિચાર આવ્યો કે, બધાં જ આવ્યા પણ મારી માતા હજી જોવામાં ન આવ્યા. ત્યારે તે પોતાના ઘરમાં ગયો અને માતાનું અભિવાદન કર્યું. ત્યારે માતાએ કહ્યું કે, હે પુત્ર ! તારું સ્વાગત છે. ફરી પણ તેણી મધ્યસ્થભાવે સ્થિત રહી. ત્યારે રક્ષિત કહ્યું કે, હે માતા ! કેમ તને હું ભણીને આવ્યો. તેથી સંતોષ નથી ? જ્યારે હું આવ્યો ત્યારે સમગ્ર નગર હર્ષ પામ્યું, હું ચૌદ વિદ્યાનો પારગામી થયો, શું તું ખુશ નથી?
ત્યારે માતા રદ્ધસોમાં બોલ્યા, હે પુત્ર ! મને કઈ રીતે સંતોષ થાય ? કેમકે તું ઘણાં જીવોનો વધ કરનાર શાસ્ત્રોને ભણીને આવ્યો છે, સંસારવૃદ્ધિના શાસ્ત્રો ભણીને આવ્યો છે, તો મને કઈ રીતે આનંદ થાય? જો તું દૃષ્ટિવાદ ભણીને આવે તો મને સંતોષ થાય. ત્યારે રક્ષિતે વિચાર્યું કે, દૃષ્ટિવાદનું અધ્યયન કઈ રીતે થાય ? હું તે જઈને ભણું, જેથી માતાને હર્ષ થાય. લોકોને ખુશ કરવાથી શું ?
ત્યારે તેણે માતાને પૂછયું કે, તે દૃષ્ટિવાદ ક્યાં જઈને ભણાય ? ત્યારે તેણીએ કહ્યું કે, સાધુ પાસે દૃષ્ટિવાદ ભણવા જવું પડે. ત્યારે તેણે દૃષ્ટિવાદ નામના અક્ષરાર્થ અર્થાત્ પદાર્થની વિચારણા શરૂ કરી. ત્યારે તેને વિચાર આવ્યો કે, અહો ! આ નામ કેવું સુંદર છે ? જો કોઈ મને ભણાવે તો હું જરૂર દૃષ્ટિવાદ ભણું. મારી માતાને પણ તેથી સંતોષ થશે. ત્યારે તેણે પૂછયું કે, હું દૃષ્ટિવાદ ક્યાંથી જાણી શકું ? ત્યારે માતાએ કહ્યું કે, અમારા ભિક્ષુગૃહમાં એક તોસલિપુત્ર નામના આચાર્ય છે. તેમની પાસે દૃષ્ટિવાદ જાણી શકાય.
ત્યારે રક્ષિતે કહ્યું કે, કાલે હું ભણવા જઈશ. માતાએ કહ્યું, તું બહું ઉત્સુક થઈશ. નહીં. ત્યારે રાત્રે તે દૃષ્ટિવાદ નામના અર્થની ચિંતવના કરતા ઊંઘી શકયો નહીં. બીજે દિવસે સવારમાં જ તે ઘેરથી નીકળી ગયો. તેના પિતાનો મિત્ર બ્રાહ્મણ ઉપનગર ગામે વસતો હતો. પણ તેમને ત્યાં જોયા નહીં. જ્યારે જોયા ત્યારે શેરડીના સાંઠા લઈને આવતા હતા. શેરડીના સાંઠા નવ આખા હતા અને એક ભાંગેલો હતો. તેણે રક્ષિતને નીકળતો જોઈને પૂછયું કે, તું કોણ છે ? ત્યારે તેણે કહ્યું કે, હું આર્યરક્ષિત છું. તેણે પૂછયું કે, તારા આવવાનું શું પ્રયોજન છે? રક્ષિતે કહ્યું, હું તમને મળવા માટે આવ્યો છું ત્યારે તેણે કહ્યું કે, હું શરીર ચિંતાર્થે જઈ રહ્યો છું. આ શેરડીના સાંઠા માતાને આપજે.
જ્યારે રક્ષિતે માતાને આ વાત કરી ત્યારે તેની માતા ઘણાં ખુશ થયા. વિચારવા લાગ્યા કે, મારા પુત્રે સુંદર મંગલ દર્શન કરેલ છે. નક્કી તે નવપૂર્વ પૂરેપૂરા અને ઉપર કંઈક અધિક પૂર્વ ભણશે. તેણે પણ વિચાર્યું કે, મેં દૃષ્ટિવાદના નવ અંગોના અધ્યયનને પૂર્ણ ગ્રહણ કરીશ, દશમું પૂરું નહીં ભણું. પછી તે ઇશુગૃહમાં જઈને વિચારવા લાગ્યો કે, હું પ્રાકૃત તો જાણતો નથી, તો આ અધ્યયન કઈ રીતે કરીશ ?
અહીં જો કોઈ શ્રાવક હોય તો તેની સાથે જઉ. પછી તે એક તરફ ઊભો રહ્યો ત્યારે ઢડ્ડર નામનો શ્રાવક શરીર ચિંતા નિવારી ઉપાશ્રય તરફ જતો હતો. ત્યારે તેણે દૂર રહીને જોયું કે તેણે ત્રણ વખત ‘નિસીહી કહી. પછી તેણે મોટા સ્વરે ઇર્યાસમિતિ આલોચનાદિ કર્યા. મેઘાવી રક્ષિતે તે અવધારી લીધી. તે પણ તે જ ક્રમે ગયો. બધાં