________________
૨૪
જય વીયરાય (ઈચ્છા) કરાય છે. આશંસા અને પ્રણિધાન એક જ અર્થમાં છે, તેથી આ સૂત્રને 'પ્રણિધાન સૂત્ર પણ કહેવાય છે.
જય વીયરાય જગગુરૂ પદ દ્વારા પરમાત્માને આમંત્રણ કર્યું ને તે દ્વારા પરમાત્માનું ભાવ વૈકટ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ ભગવાન દ્રવ્યથી તો અત્યંત દૂર છે પણ આ આમંત્રણ સૂત્ર દ્વારા પ્રભુ આપણને ભાવથી નિકટ થાય છે. જય પામો એટલે સર્વોત્કૃષ્ટપણે વર્તો....
પરમાત્મા તો જગતમાં સર્વોત્કૃષ્ટપણાને પામ્યા જ છે એટલે અહિં "જય પામો" કહેવા દ્વારા પ્રભુ મારા હૃદયમાં આપ સર્વોત્કૃષ્ટ ભાવને પામો એવો અર્થ લેવાનો છે. અર્થાત્ “મારા હૃદયમાં આપના પ્રત્યે સર્વોત્કૃષ્ટ બહુમાનનો ભાવ ઉભો થાવ' એ આ કહેવાનું રહસ્ય છે...
આ પ્રણિધાન સૂત્ર છે, એટલે આ સૂત્ર બોલતી વખતે મુક્તાશક્તિ મુદ્રા કરવાની છે. મુક્તાશક્તિ મુદ્રા એટલે બંન્ને હાથ મોતિના છીપની જેમ સમાન જોડેલા હોય, અર્થાત્ બન્ને હાથના પાંચે આંગળીઓના ટેરવા પરસ્પર અડેલા અને વચ્ચેથી થોડા પોલા રાખી લલાટે (કપાળે) અડેલા રાખવાના. (મતાંતરે નહીં અડેલા રાખવાના.) મુદ્રા પણ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. મુદ્રાથી પણ ભાવની વૃદ્ધિ થાય છે.