________________
પ્રાર્થના............. નિદાન વિવેક
૧૬૧ નિગોદમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાથે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેના ત્યાં અનંતકાળ એટલે કે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી જન્મ-મરણો થાય છે, અનંતાભવો થાય છે. નિગોદમાં જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા છે એટલે કે લગભગ એક સેકંડના ૨૩માં ભાગ જેટલું હોય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદર હોય છે. અનંતજીવોનું ભેગુ એક જ શરીર બને છે. પૃથ્વીકાય, અપ્લાય વગેરેમાં પણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણીની છે એટલે તેટલા કાળ સુઘી અશુભ કર્મના તીવ્ર અનુબંધવાળો જીવ ત્યાં જન્મ-મરણ કરે છે. વિકલેન્દ્રિયના ભવો પણ કારમાં દુઃખમય છે. મનુષ્ય-તિર્યંચોના જીવન પણ રોગ-શોક-ચિંતા-ઉપાધિઓથી ભરેલા છે. દેવોને પણ ક્ષણભર શાંતિ નથી.
આવા વિકરાળ સંસારમાં પણ જીવની રક્ષા કરે એવા એકમાત્ર અરિહંત પરમાત્મા છે. પરમાત્મા મોક્ષ સુધી પહોંચાડે છે. મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી ભવોમાં પણ રક્ષા કરે છે. સમાધિ અને શાંતિ આપે છે, એટલે પરમાત્મા વિના ચાલવાનું નથી. આ ભવમાં તો પ્રભુ મળ્યા પણ બીજા ભવોમાં પાછા પ્રભુ જો ન મળે તો જીવની દશા શું ?