________________
બિહામણો આ સંસાર
૧૬૭ સંસાર એટલે દુઃખનો દાવાનળ છે. શારીરિક અને માનસિક અસંખ્ય દુઃખોથી જીવો પીડાઈ રહ્યા છે. નારકીમાં ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, રોગો વગેરેની કારમી પીડાઓ હોય છે. સાથે પરસ્પરના વૈરના કારણે પરસ્પર કાપાકાપી થાય છે. વધારામાં પરમાધામી દેવો નારકીના જીવોને છેદન-ભેદન-અગ્નિમાં બાળવાવૈતરણી નદીના અત્યન્ત ઉકળતા પાણીમાં ઝબોળવાના, શસ્ત્રોના ઘાતથી શરીરના અંગોપાંગો કાપવા વગેરે ઘોર પીડાઓ આપે છે જેનું વર્ણન કરવું પણ શક્ય નથી. તિર્યયમાં પણ ભૂખ-તરસ-ઠંડી-ગરમી, પરાધીનતા, ભાર ખેંચવા છેવટે કતલખાનામાં જીવતા કપાવા વગેરેની કારમી વેદના સહન કરવી પડે છે.
મનુષ્યોના જીવો પણ દુ:ખથી ભરેલા છે. રોગશોક-દરિદ્રતા-દૌર્ભાગ્ય-ચિંતા-પરાધીનતા વગેરે લાખો દુઃખો માનવો આજે ભોગવી રહ્યા છે. બહારથી ભૌતિક સુખોની ટોચે બેઠેલા દેખાતા મનુષ્યો પણ અંદરથી અનેક પ્રકારની ચિંતા વગેરેના દાવાનળમાં બળી રહ્યા છે. અને ભૌતિક સુખના શિખરે બેઠેલા દેવો પણ દુ:ખી છે. ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ, પરાધીનતા, ઈર્ષ્યા, મત્સર વગેરે દુઃખોથી તેઓ પણ પીડાય છે. સંસારમાં ક્યાંય સુખનો અંશ પણ દેખાતો નથી.