________________
૧૭૫
સમાધિ મરણ શાશ્વત સુખનું રહસ્ય મુનિના મુખથી ભાવપૂર્વક નવકાર સાંભળી સમડી રાજકુમારી થઈ.
જીવનભર ચોરી કરનાર યોર શૂળી ઉપર નવકારમંત્રના મરણને ભાવપૂર્વક કરી વ્યંતરદેવ થયો. અઢળક દષ્ટાનો છે. અંતિમકાળ સુધારવા દ્વારા અનેક જીવો સદ્ગતિ પામ્યા છે. અરે ! પરમાત્મા પર તેજોલેશ્યા મૂકનાર ગોશાળાને પણ છેલ્લે ભારે પશ્ચાત્તાપ, આત્મનિંદા થવા દ્વારા સખ્યત્ત્વની પ્રાપ્તિ થઈ અને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો. (અલબત્ત પ્રભુની અને મહાત્માઓની આશાતનાના કારણે સાતે નરક વગેરેમાં રખડશે, અનંત સંસાર ભટકશે.)
માટે મરણ વખતે સમાધિની અત્યન્ત આવશ્યકતા છે. અંતિમકાળે કોઈ ભારે સંક્લેશો, રાગદ્વેષની પરિણતિઓમાં જીવનું મરણ થાય તો ભયંકર દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. કુરુમતી-કુરુમતી કરતાં મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તિ સાતમી નરકમાં ગયા.
અંતિમકાળે મુનિ પ્રત્યે ક્રોધના અધ્યવસાયમાં મૃત્યુ પામી તપસ્વી મુનિ પરંપરાએ ચંડકૌશિક સર્પ થયા.
એક શ્રાવકે અનશન કર્યું હતું. અંતિમ સમયે બોરડીના વૃક્ષ પર નજર ચોંટી ગઈ, આર્તધ્યાનમાં ચડી ગયા અને બોર તરીકે ઉત્પન્ન થઈ ગયા.