________________
૧૯૮
જય વીયરાય અર્થ અને કામને પ્રાપ્ત કરવાની તીવ્ર અભિલાષા, તેના સાધનો-કારણો પ્રત્યે મનની અત્યંત તીવ્ર એકાગ્રતા, આ બધુ અશુભ પ્રણિધાન છે. અશુભ પ્રણિધાનના અશુભ ફળ મળે છે. પ્રણિધાન જેટલું તીવ્ર એટલું ફળ તીવ્ર મળે છે. મોટા મગરમચ્છની આંખની પાંપણમાં ઉત્પન્ન થતો તંદુલિયો મત્સ્ય અંતર્મુહૂર્ત સુધીના તીવ્ર હિંસાના પ્રણિધાનથી મૃત્યુ પામી ૭મી નરકે જાય છે.
દેવો પણ વિમાનના રત્નો, વાવડીના પાણી કે બગીચાના વનસ્પતિઓના પ્રણિધાનથી મૃત્યુ પામી ત્યાં તે તે રૂપે એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય છે.
વળી પ્રણિધાનથી અનુબંધવાળુ કર્મ બંધાય છે. અનુબંધવાળુ એટલે પરંપરાવાળુ.... એક અશુભકર્મ બાંધ્ય, તે ઉદયમાં આવતા ફરી અશુભભાવો પણ વધ્યા અને પુનઃ અશુભકર્મ બંધાયુ. આમ કર્મબંધની પરંપરાઓ અનુબંધથી ઉભી થાય છે. જેમ અશુભકર્મ છે, તેમ શુભમાં પણ જાણી લેવું.