________________
(૧) નિંદા નિંદા એ આત્માનો મોટામાં મોટો દુર્ગુણ છે. સામામાં દોષ ન હોય કે હોય પણ તેની નિંદા કરવાથી અતિક્રૂર ફળ મળે છે. ઉપદેશમાળામાં જણાવ્યું છે - "બીજામાં જે દોષ હોય તેની નિંદા કરવાથી તે દોષોની નિંદકને પ્રાપ્તિ થાય છે." બીજાની ખાવાની પ્રવૃત્તિની નિંદા કરનાર તપસ્વીઓની તપોશક્તિ આ જ ભવમાં નષ્ટ થયાનું ઘણું જોવા મળેલ છે. નિંદા કરવાથી આત્મામાં ગુણો હોય, તો તેનો નાશ થાય છે, ગુણો ન હોય તો ભવિષ્યમાં ગુણોની પ્રાપ્તિ દુર્લભ બને છે. નિંદાથી લોકમાં પણ અપ્રિય થવાય છે. જેની નિંદા થાય તેઓ સાથે વૈર પણ બંધાય છે. નિંદા એ ખતરનાક કુટેવ છે, ઉગ્ર અને ઘોર તપ-સંયમની સાધના નિંદાથી નિષ્ફળ જાય છે. નિંદાની ટેવવાળા જીવો ગુણાનુરાગી નથી બની શકતા, બીજા ગુણિયલ જીવોમાં પણ તેને દોષો દેખાય છે.
નિંદા એક જાતની ચળ છે. તેને દૂર કરવી ખૂબ કઠણ છે. ઘણી વાર દેખાય છે કે - રાત્રે સ્વાધ્યાય વિ.માં નિદ્રા, ઝોકા વગેરે આવે છે, પણ જો કોઈ નિંદાદિ વિકથા શરૂ થઈ જાય તો આખી રાત માણસ જાગી શકે.