________________
૧૩૮
જય વીયરાય જીવની પાત્રતા વિકસિત થઈ હોય અર્થાત્ યોગ્યતા પ્રગટ થઈ હોય તો તેને શુભગુરુનો યોગ પ્રાપ્ત થતાંની સાથે જ તેનો આધ્યાત્મિક વિકાસ શરુ થઈ જાય છે. તેનું મોક્ષમાર્ગ તરફ પ્રયાણ શરુ થઈ જાય છે. પાત્રતા વિના શુભગુરુનો યોગ સફળ થતો નથી. ઉત્તમ ગુરુના યોગથી મોક્ષ સુધીની સાધના અત્યંત સરળપણે થાય છે.
ગુરુનો યોગ અમોઘ છે. આજ સુધી અસંખ્ય, અનંતકાળની અપેક્ષાએ અનંત જીવો ઉત્તમ સદ્ગુરુને પ્રાપ્ત કરીને ભવસાગર તરી ગયા છે.
૧. ભગવાન ઋષભદેવ, તેર ભવ પૂર્વે ધના સાર્થવાહના ભવમાં ઉત્તમગુરુના યોગથી ગુરુને વહોરાવતા સમ્યગ્દર્શન પામ્યા.
૨. ભગવાન મહાવીર પરમાત્મા નયસારના ભવમાં જંગલમાં ભૂલા પડેલા સાધુ ભગવંતના યોગથી સમ્યગ્દર્શન પામ્યા.
૩. શાલિભદ્રના જીવે પૂર્વભવમાં ઉત્તમ તપસ્વી મુનિને ખીરના દાન દ્વારા ભવાંતરમાં શાલિભદ્રની દિવ્ય ભોગની સામગ્રી મેળવી. પ્રભુ મહાવીર મળ્યા, ચારિત્ર લઈ ઘોર તપ તપી અનુત્તર દેવલોકમાં ગયા. મોક્ષને પામશે.