Book Title: Atmsiddhi Mahabhashya Part 01
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
તો છે જ પરંતુ તેની સાથે યોગની શુભ અવસ્થાઓ પણ પ્રગટ થાય છે, તેમાં બાહ્ય યોગ સત્કર્મ રૂપે બાહ્ય વ્યાપારમાં જોડાય છે. આ રીતે શુદ્ઘ ઉપયોગ તથા શુભ યોગ, આ બંને અવસ્થાઓ સ્વતઃ. મુકિતનો માર્ગ બની રહે છે.
માર્ગ શબ્દ કહેવાથી જ એ પ્રગટ થાય છે કે માર્ગ કોઈ શાશ્વત તત્ત્વ છે, ત્રિકાળવર્તી તત્ત્વ છે. વિશ્વમાં નિશ્ચિત થયેલો રસ્તો છે. અનેક તીર્થંકરોની ઉપદષ્ટિ થયેલો માર્ગ છે. આ માર્ગ લુપ્ત થતો નથી. અહીં માર્ગ કહેવાનો એટલો જ મતલબ છે કે પરોક્ષ રીતે માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા અપાય છે. તે માર્ગનું અવલંબન આપવા માટે માર્ગને અનુકુળ શુદ્ધ પુરુષાર્થની જરુર છે.
ક્રમિક ઉત્થાન : માર્ગ શાશ્વત છે. જ્યારે જીવાત્મા આવા શાશ્વત ભાવો આત્મામાં સંચિત કરે છે. તેને પર્યાય રૂપે પ્રગટ કરી માર્ગના શુકન કરે છે અથવા માર્ગ ઉપર પગલા પાડે છે અને તેવા જીવને માટે અહીં શાસ્ત્રકારે માર્ગ શબ્દ કહી તેનો સાચો માર્ગ કયો છે તેનો અંગુલિનિર્દેશ કર્યો છે અને માર્ગમાં પગલું મુકતા જ માર્ગની અલૌકિકતા અને તેની પ્રમાણિકતા સાધકને અથવા માર્ગમાં ચાલતા પુરુષને અનન્ય ભાવે આકર્ષિત કરે છે. જેમ કોઈ હિમગિરી ઉપર આરુઢ થવા માટે જ્યારે ઉપર ચડવાની શરુઆત કરે અને આ અટવીમાં રહેલા સાચા માર્ગનું અવલંબન કરી જેમ જેમ ઉપર ચઢતો જાય છે, તેમ તેમ તેને ત્યાંની અલૌકિક શીતળ હવાનો સ્પર્શ થાય ત્યારે આ આરોહકને સુખાનુભૂતિ થવા લાગે છે અને તેના મનમાં અહોભાવ પ્રગટ થાય છે.
વસ્તુતઃ એક માર્ગ સમતલ અવસ્થામાં જાય છે. એક માર્ગ નીચેના પ્રદેશોમાં જાય છે. જ્યારે એક માર્ગમાં આરોહણ છે, અથવા ઊંચે ઉઠવાની અવસ્થા છે. તે જ રીતે અહીં એક માર્ગ સમ અવસ્થામાં રહી સાધકને સમભાવનો અનુભવ કરાવે છે, નિમ્નગામી માર્ગનો ત્યાગ કરાવે છે. ત્યારબાદ આગળ ચાલીને આરોહણ ભાવ ચાલુ થાય છે, અને હિમાલયની ચોટી ઉપર જવાનો પુરુષાર્થ શરુ થાય છે. આ છે ઊર્ધ્વગામી માર્ગ. અહીં જે મોક્ષ માર્ગનો ઉલ્લેખ છે તે માર્ગ પણ સામાન્ય ભૂમિકાથી સાધકને ઊંચો લઈ ઊર્ધ્વગામી માર્ગ દ્વારા ગુણસ્થાનની શ્રેણીઓનું આરોહણ કરાવી ક્ષયોપશમ, ઉપશમના બધા કેન્દ્રોને પાર કરી ક્ષાયિક ભાવોના ઊંચા શિખર ઉપર લઈ જનારો છે. આ ઊર્ધ્વગામી માર્ગ સ્વયં વિરામ પામી જીવને સિદ્ધ દશાની અવસ્થામાં પહોંચાડી દે છે. ત્યાં માર્ગ અને માર્ગનું લક્ષ એકાકાર થઈ જાય છે. બીજી રીતે કહેવું જ હોય તો માર્ગ પર્યાપ્ત થઈ જાય છે અટકી જાય છે. માર્ગનું કર્તવ્ય પુરુ કરી માર્ગ સ્વયં માર્ગીને અગમ્ય એવા અલૌકિક સ્થાને કે હવે જ્યાં માર્ગની જરુર નથી તેવા અપૂર્વ, અનંત સુખાત્મક સ્થાનમાં પહોંચાડી ત્યાં રામ રામ કરી માર્ગ પાછો વળે છે અથવા પોતાની જગ્યાએ ઊભો રહીને માર્ગીને વિદાય કહે છે.
માર્ગનું આટલું ઊંડુ વિવેચન કર્યા પછી અહીં કાવ્યકારે ‘મોક્ષ માર્ગનો બહુ લોપ' એવો શબ્દ વાપર્યો છે. તો વસ્તુતઃ માર્ગ તો શાશ્વત છે તેનો ‘લોપ' થઈ શકતો નથી તો અહીં લોપ કહેવાનું તાત્પર્ય શું છે ? શબ્દોમાં વાચ્યાર્થ કરતા ગૂઢાર્થનું મહત્વ વધારે હોય છે. અહીં જે ‘લોપ' કહ્યો છે તે કોઈ જીવના અજ્ઞાનને આશ્રિત કહ્યો છે. જેમ રુમમાં પડેલી ઘડિયાળ કોઈ કારણથી ત્યાં જનારને દેખાતી નથી અને તે માને છે કે ઘડિયાળ ખોવાઈ ગઈ છે, અથવા લુપ્ત થયેલી છે તો એનો અર્થ એટલો જ છે કે તે વ્યકિતના જ્ઞાનમાં આવરણ આવી જતાં જ્ઞાનમાંથી લુપ્ત થઈ છે.
૨૪