Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ધાતુના અનેક અર્થો થાય છે, એ કારણે ધ્યાન શબ્દ ચિત્તનિરોધ અર્થમાં જેમ વપરાય છે, તેમ યોગનિરોધ એટલે મન-વચન-કાયા એ ત્રણેની દોષરહિત નિર્મળ પ્રવૃત્તિ, અને સર્વથા અપ્રવૃત્તિ, એ અર્થમાં પણ વપરાય છે. તેમાં સર્વથા યોગનિરોધ ચૌદમા ગુણસ્થાને હોય છે. ચિત્તનિરોધ પ્રથમ ગુણસ્થાનકથી શરૂ થઈ શકે છે. મન-વચન-કાયાના યોગોનું પ્રયત્નપૂર્વક પ્રશસ્ત પ્રવર્તન છઠ્ઠા ગુણસ્થાનક સુધી આવશ્યક છે. ત્યાર પછી બારમા સુધીનાં ગુણસ્થાનકોનો કાળ અંતમુહૂર્તથી અધિક નથી. તેરમા ગુણસ્થાનકનો કાળ દેશોનપૂર્વકોટિ છે, પરંતુ ત્યાં ત્રણ પ્રકારનાં ધ્યાનમાંથી એક પણ પ્રકારનું ધ્યાન નથી. તે કાળને સ્થાનાંતરિસ કહેવાય છે. ચૌદમાં ગુણસ્થાનકે પણ ચિત્તનિરોધરૂપ ધ્યાન નથી પણ યોગનિરોધરૂપ ધ્યાન છે. એ દષ્ટિએ વિચારતાં જિનશાસનમાં યોગનિરોધરૂપ એ જ સૌથી મહત્ત્વનું અને સૌથી ચડિયાતું ધ્યાન માનેલું છે. તેના સાધનરૂપ જે કોઈ ક્રિયા તે પછી નિરોધરૂપ હો કે નિરવદ્ય વ્યાપારરૂપ હો, તે પણ ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય, તે ઉભયથી સધાય છે.
જેઓ ચિત્તવૃત્તિના નિરોધને જ કેવળ ધ્યાન કહે છે, તેઓ ધ્યાન શબ્દના મર્મને સમજ્યા નથી, કારણ કે ચિત્તવૃત્તિના નિરોધવાળું ધ્યાન તો સ્નાન, પાન, અર્થ, કામ આદિ સંસારવર્ધક અને કર્મબંધક ક્રિયાઓમાં પણ સંભવે છે; પરંતુ તે ધ્યાન આર્તરૌદ્રસ્વરૂપ છે, ધર્મસાધક નથી. તેને પણ જો સાધક માનીએ તો માછલાં પકડવા માટે બગલાનું કે ઉંદર પકડવા માટે બિલાડીનું ધ્યાન પણ ઈષ્ટસાધક માનવું જોઈએ. પણ તેમ કોઈ માનતું નથી. તેથી કેવળ ચિત્તવૃત્તિનો નિરોધ ધ્યાનસ્વરૂપ બનતો નથી. કિંતુ, સંક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ એ વાસ્તવિક ધર્મસાધક ધ્યાન છે અને તે પણ એક પ્રકારના પ્રશસ્ત મનોવ્યાપાર રૂપ છે. તેથી જ્યાં સુધી આત્માનો પ્રમાદદોષ ટળ્યો નથી, ત્યાં સુધી પ્રમાદ તરફ ધસી રહેલા મન-વચન-કાયાના વ્યાપારને રોકવારૂપ જે કોઈ પ્રશસ્ત વ્યાપાર તે વાસ્તવિક ધ્યાન છે, કારણ કે ધ્યાનનું ફળ જે કર્મક્ષય અને સંપૂર્ણ કર્મક્ષયને સાધક એવી જે શૈલેશી અવસ્થા-ચતુર્દશ (ચૌદમું) ગુણસ્થાનક, તે તેનાથી ક્રમશઃ સિદ્ધ થાય છે.
પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ ફરમાવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org