________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३०३ ગંધ-સ્પર્શ ધરાવે છે, એટલે કે રૂપી છે. વળી શરીરના રૂપાંતરણ થયા કરે છે, એટલે આત્મા પણ રૂપાંતર પામ્યા કરે છે. વળી આત્મામાં અનાદિકાળથી ક્રોધાદિ કષાયરૂપે અને વિષયવિકાર-હાસ્ય-રતિ-અરતિ વગેરે નોકષાયરૂપે પરિણમવાની યોગ્યતા પડેલી હોવાના કારણે આત્માના ક્રોધાદિ કંઈક પરિણામો થયા જ કરે છે. આત્મા આમ રાગ-દ્વેષાદિરૂપે પરિણમવાના કારણે પ્રતિસમય એના પર જ્ઞાનાવરણીયાદિ કર્મો ચોંટ્યા કરે છે ને કાળાન્તરે ઉદયમાં આવી પોતાની અસર બતાડ્યા કરે છે. એના કારણે આત્માના કેવલજ્ઞાનાદિ શુદ્ધસ્વરૂપો આવરાયેલા રહે છે. અને મતિજ્ઞાનાદિ છાઘસ્થિકજ્ઞાન વગેરે રૂપ પરિણામો આકાર લયા કરે છે. આયુષ્યકર્મના કારણે જન્મ-જરા-મરણાદિ અવસ્થાઓ થાય છે એમ નામકર્મવગેરેના કારણે દેવાદિગતિવગેરે રૂપ સેંકડો વિવિધ પરિણામો-અવસ્થાઓ અસ્તિત્વમાં આવ્યા જ કરે છે.
આત્મા સમુચિત પુરુષાર્થદ્વારા સાધના કરીને, રાગ-દ્વેષાદિરૂપે પરિણમવાની અનાદિકાળથી જે યોગ્યતા રહેલી હતી તેને ખતમ કરે છે.. ક્ષપકશ્રેણિમાં આ યોગ્યતા ખતમ થવાની સાથે સાથે જ, આત્મા પર રહેલ મોહનીયકર્મ ક્ષીણ થવા માંડે છે. એ સંપૂર્ણ ક્ષીણ થઈ જવા પર અંતર્મુહૂર્તમાં બાકીના ૩ ઘાતી કર્મો અને કાળાન્તરે શેષ ચાર અઘાતી કર્મો ક્ષીણ થઈ જાય છે. એટલે આત્માનો મોક્ષ થાય છે, સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. સંપૂર્ણતયા કર્મમુક્ત થવાની સાથે જ જીવ શરીરથી પણ મુક્ત થઈ જાય છે. અશરીરી આત્મા અરૂપી હોય છે. શરીર નથી, માટે શરીર સંલગ્ન કોઈ જ રૂપાંતરણ હવે થતા નથી. જ્ઞાનાવરણ કર્મ નથી, માટે છાઘસ્થિક જ્ઞાન નથી. સતત અનંત-સંપૂર્ણ કેવલજ્ઞાન છે, તેથી જ્ઞાન સંબંધી કોઈ રૂપાંતરણ હોતા નથી, કોઈ વિવિધતા હોતી નથી. એ જ રીતે મોહનીયની યોગ્યતા-કર્મ ક્ષીણ થઈ ગયા હોવાથી સતત વિતરાગતા હોય છે, ક્રોધાદિભાવોની કે ક્ષમાદિની તરતમતાઓની કોઈ વિવિધતા હોતી નથી. સતત આત્મરમણતા હોય છે. વેદનીયકર્મ નથી એટલે સુખ-દુઃખ સંબંધી કોઈ જ પરાવર્તન હોતા નથી. આમ, તરતમતાવાળા સુખ-દુઃખ છાઘસ્થિક જ્ઞાન-ક્રોધાદિકષાયો-વિકારાદિભાવો-હાસ્ય-ભય-શોકાદિ લાગણીઓવગેરેરૂપ સંસાર કાળભાવી કોઈ જ પરિણામો શુદ્ધ આત્મામાં હોતા નથી. માટે શુદ્ધ આત્મા નિર્લેપ, નિરંજન-નિરાકાર, સ્થિર એક સ્વભાવવાળો હોય છે. વળી શરીર નથી, માટે કત્વ નથી, તેમજ રૂપ-રસાદિ નથી. તેથી અકર્તા છે, અરૂપી છે. (અથવા કોઈ અવસ્થાન્તર=રૂપાંતર થતા નથી, તેથી અરૂપી છે.) કર્મ નથી, માટે કર્મ ફળભોસ્તૃત્વ નથી. એટલે કે અભોક્તા છે. ઇન્દ્રિયો નથી તેમ જ આવારક કર્મ નથી. માટે છાઘસ્થિક કોઈ જ્ઞાન નથી. અર્થાત્ છાઘસ્થિકજ્ઞાનોની અપેક્ષાએ અજ્ઞાતા છે.
આમ સંસારી-અશુદ્ધ આત્મા સતત બદલાયા કરે છે (એટલે કે એના વિવિધ પરિણામો થયા કરે છે), વિવિધ જ્ઞાનથી જ્ઞાતા છે, કર્તા છે, ભોક્તા છે, વ્યક્તિ-વસ્તુ કે પરિસ્થિતિથી લેપાય છે, ને તેથી પૌદ્ગલિક સુખદુઃખાદિ અનુભવે છે, ક્રોધ-માનાદિ કરે છે, હાસ્ય-શોકાદિ સંવેદે છે.
જ્યારે મુક્ત શુદ્ધ આત્મા પ્રથમ ક્ષણે જેવો હતો.. અનંતાનંતકાળ વીતે. પછી પણ એવો ને એવો જ રહે છે, અંશમાત્ર પણ બદલાતો નથી. (અગુરુલઘુપર્યાયમાં થતા ફેરફાર (૧) છદ્મસ્થનો વિષય નથી.. (૨) તેમજ કેવલજ્ઞાન-શાશ્વત સુખાદિ મુખ્યસ્વરૂપને સ્પર્શનારા નથી. વળી (૩) અતિ-અતિ સૂક્ષ્મતમ આંતરિક ફેરફાર રૂપ છે.. માટે અવિવલિત છે.) એટલે કે શુદ્ધ આત્મા કૂટસ્થનિત્ય સ્થિર એક સ્વભાવવાળો છે, છાઘસ્થિક જ્ઞાનથી અજ્ઞાતા છે, અકર્તા છે, અભોક્તા છે, સર્વથા નિર્લેપ છે, પૌગલિક સુખથી પર છે. ક્રોધાદિ-હાસ્યાદિ પરિણામોથી સર્વથા મુક્ત છે.