________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४१५
પ્રશ્ન : બન્નેમાં સમાનતા હોવા છતાં આવો ભેદ ક૨વો ઉચિત છે ?
ઉત્તર : એક વાસ્તવિક મહાત્મા છે, એક દ્રવ્યલિંગી અભવ્ય છે.. બંને એક સમાન ઉપદેશ આપે છે. બંનેનો ઉપદેશ સાંભળીને જીવો સમ્યક્ત્વાદિ પામે છે. મહાત્માના ઉપદેશથી સમ્યક્ત્વાદિ પામનારા જીવો માટે ‘મહાત્માના ઉપદેશથી પામ્યા' એમ કહેવાતું હોવા છતાં અભવ્યના કિસ્સામાં એમ નથી કહેવાતું, પણ એમ કહેવાય છે કે ‘એ જીવો પોતાની યોગ્યતાથી પામ્યા.' સિદ્ધિવગર વિનિયોગ નથી. અભવ્યને પોતાને જ સમ્યક્ત્વાદિની સિદ્ધિ નથી, તો એનાથી વિનિયોગ શી રીતે થાય ? આવું જ પ્રસ્તુતમાં જાણવું. મુક્તિદ્વેષના કારણે મલન હોય તો જ વિષાઋતૃપ્તિસાદૃશ્ય કહેવાય, એ વિના નહીં.
પ્રશ્ન : બ્રહ્મદત્તને પણ મલન થયું જ છે ને.. ચક્રવર્તીના ભવ દરમ્યાન, સાધુ બનેલા ચિત્રમુનિએ મુક્તિના ઉપાયભૂત સંયમ માટે ઘણી પ્રેરણા કરી હોવા છતાં સંયમ લેવાનું મન ક્યાં થયું ?
ઉત્તર : બ્રહ્મદત્તને સંયમનો પ્રતિબંધ થયો છે, મલન નહીં. એ પ્રતિબંધ પણ એ નિયાણાનો તીવ્ર ઇચ્છાનો પ્રભાવ હતો. અનશનાત્મક અનુષ્ઠાનનો નહીં. અનુષ્ઠાનથી મલન થવા માટે તો મુક્તિદ્વેષ જોઈએ, જે સંભૂતિમુનિને હતો નહીં.
પ્રશ્ન : ‘મારે મોક્ષ નહીં, ચક્રવર્તીપણું જોઈએ' આવી ઇચ્છા જ મુક્તિદ્વેષરૂપ ન કહેવાય?
ઉત્તર : સ્ત્રીરત્નની કામચલાઉ ઇચ્છા થઈ ગઈ છે ને તેથી હાલ તો એ જ જોઈએ છે. પણ એટલામાત્રથી સંભૂતિમુનિ વિષયાતીત સુખમય મોક્ષને અનિષ્ટ માનવા માંડી ગયા નથી કે જેથી એમને મુક્તિદ્વેષ હોવો કહી શકાય. ને તેમ છતાં તમારે એમને મુક્તિદ્વેષ માનવો હોય તો પણ એ પૂર્વે મુક્તિદ્વેષના બે પ્રકાર જે કહેલા એમાંનો વ્યક્ત રૂપે મુક્તિદ્વેષ જાણવો, યોગ્યતારૂપે નહીં. કારણ કે યોગ્યતારૂપે તો મુક્તિઅદ્વેષ પડેલો જ છે, તે પણ એટલા માટે કે એ જીવ સમ્યક્ત્વ- સંયમાદિ પામી ચૂકેલો છે. અને યોગ્યતારૂપે મુક્તિદ્વેષ નથી, તો માત્ર વ્યક્તમુક્તિદ્વેષ કાંઈ મલન કરી શકતો નથી.
=
પ્રશ્ન : યોગ્યતારૂપે મુક્તિદ્વેષ પણ માની લઈએ તો ?
ઉત્તર ઃ ન માની શકાય, કારણ કે તો પછી યોગ્યતારૂપે મુક્તિઅદ્વેષ હવે રહ્યો નથી, એમ માનવું પડે. પ્રશ્ન : એ પણ માની લ્યો ને !
ઉત્તર : ન માની શકાય, કારણકે એ ન રહ્યો હોય તો હવે ક્યારેય પછી પેદા જ થઈ ન શકવાથી ભવિષ્યમાં ક્યારેય મોક્ષ નહીં થાય.
પ્રશ્ન : ભવિષ્યમાં કેમ ક્યારેય પેદા નહીં થાય ? શાસ્ત્રશ્રવણાદિ દ્વારા યોગ્ય સમજણ મળવાથી મુક્તિદ્વેષ ખસી જાય, અને મુક્તિઅદ્વેષ પાછો પ્રગટી જાય.
ઉત્તર : આ શક્ય નથી. કારણ કે શાસ્ત્રશ્રવણ વગેરે પણ ધર્માનુષ્ઠાન જ છે ને મુક્તિદ્વેષની હાજરીમાં ધર્માનુષ્ઠાન મલન જ કરે, વિષાક્ષતૃપ્તિસર્દેશ જ બને. એનાથી મુક્તિદ્વેષ ખસવારૂપ શુભપરિણામ મળી શકે નહીં. એટલે જ મુક્તિઅદ્વેષને જીવના પુરુષાર્થથી નહીં, પણ સહજઅલ્પમલત્વથી પ્રગટ થવો જણાવ્યો છે. ને સહજઅલ્પમલત્વ પણ, જીવના પુરુષાર્થથી નહીં, પણ કાળક્રમે થવું જણાવ્યું છે. વળી આમાં કાળ તરીકે ચરમાવર્તપ્રવેશકાળ છે એ આપણે પૂર્વે જોઈ ગયા છીએ. ચ૨માવર્તમાં રહેલા જીવને હવે ચ૨માવર્તપ્રવેશકાળ ફરીથી ક્યારેય આવવાનો નથી, તો પછી સહજઅલ્પમલત્વ-મુક્તિઅદ્વેષ અશક્ય જ બની જશે. એટલે કાળક્રમે એકવાર મુક્તિઅદ્વેષ પ્રગટી ગયો. એટલે એ મુક્તિઅદ્વેષ પછીથી ક્યારેય ખસતો નથી એમ માનવું જ પડે છે.