________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३५५ પરિણામો નાશ પામે છે. માટે આ બધાને જો આત્માના પરિણામ તરીકે સ્વીકારવામાં આવે તો તો આમાંના તે તે પરિણામનાશે આત્માનો પણ નાશ થઈ જવો માનવો પડે. જે માનવો એમના માટે શક્ય નથી, કારણકે અનેકાન્તવાદની એમને એલર્જી છે. એટલે “તે પરિણામરૂપે નાશ.. અને અન્ય પરિણામરૂપે અનાશ.” આવું તો તેઓ કહી શકતા નથી. જો નાશ કહેવો હોય તો સર્વથા નાશ જ કહેવો પડે ને જો નાશ ન કહેવો હોય તો સર્વથા નાશનો અભાવ=સર્વથા અનાશ જ કહેવો પડે. એટલે કે અંશમાત્ર પણ નાશ નહીં- ફેરફાર નહીં-સ્થિર એકસ્વભાવ-કૂટનિત્યત્વ કહેવું પડે. | સર્વથા નાશ-અનાશના આ બે વિકલ્પોમાંથી તેઓ નાશનો વિકલ્પ સ્વીકારી શકતા નથી. કારણકે એનો અર્થ થાય પુરુષનો સર્વથા નાશ-ચૈતન્યનો સર્વથા નાશ. હવે ચૈતન્યનો જો સર્વથા નાશ માની લેવામાં આવે તો, ફરીથી ચૈતન્યને પેદા કરી શકે એવી કોઈ વસ્તુ દુનિયામાં નહીં હોવાથી, ભવિષ્યમાં એ ક્યારેય પેદા જ થઈ ન શકે. ને એમ એક એક કરતાં દરેક પુરુષનો નાશ થઈ ગયા બાદ વિશ્વમાં એક પણ પુરુષ જોવા જ ન મળે. પણ આવું બનતું નથી, કે ક્યારેય બન્યું નથી. માટે પુરુષનો ક્યારેય નાશ થતો નથી. એટલે કે એનો હંમેશા સર્વથા અનાશ જ હોય છે, અર્થાત્ એ ફૂટસ્થનિત્ય છે. તેથી, જ્ઞાન-સુખ-દુઃખાદિ પરિણામો કે જે વિનશ્વરશીલ છે, એ પુરુષના તો માની શકાતા નથી, તો કોના માનવા ? એ જેના પણ માનવાના હોય એને ચેતન તો માની શકાય નહીં, કારણ કે તો તો પાછો ચૈતન્યનો નાશ વગેરે પ્રશ્નો આવી પડે. એટલે, આપણી સંવેદનાના જ્ઞાન-સુખાદિ પરિણામો જડ એવી પ્રકૃતિના પરિણામ તરીકે ઉત્પન્ન થયેલી જડ એવી બુદ્ધિના છે, એમ તેઓ કહે છે.
(ફરીથી, મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયનો પ્રભાવ કેવો છે ! બુદ્ધિ કહેવી અને છતાં જડ કહેવી. આ વાત સ્ત્રીને માતા કહેવી ને છતાં વાંઝણી કહેવી.. ડિટ્ટો આવી હોવા છતાં પકડી શકતા નથી. વળી બીજી વાત, આ જ્ઞાન-સુખાદિને તેઓએ બુદ્ધિના પરિણામ=ચિત્તની વૃત્તિઓ માની છે. એનો નાશ થવા છતાં બુદ્ધિનો (ચિત્તનો) નાશ તેઓ માનતા નથી. ને તેમ છતાં, એ જ્ઞાનાદિને પુરુષના પરિણામ માનીને “જ્ઞાનાદિનાશ થવા છતાં પુરુષ નાશ ન થાય' એવું તેઓ સ્વીકારી શકતા નથી. ખરેખર, મોહનો વિલાસ વિચિત્ર હોય છે !)
બુદ્ધિ જડ છે.. ઘડો જડ છે.. છતાં, જ્ઞાનાદિને બુદ્ધિના જ પરિણામ તરીકે માનવા છે, ઘડાના નહીં. એટલે જડ તરીકે સમાન એવા પણ બુદ્ધિ-ઘટ વચ્ચે કંઈક મુખ્ય તફાવત માનવો જ પડે. એ આ રીતે માન્યોબુદ્ધિ ચૈતન્યથી ધબકતા પુરુષને સન્નિહિત હોવાથી બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. ને તેથી એના જ્ઞાનાદિ પરિણામો થાય છે. ઘડામાં એ પ્રતિબિંબ પડતું ન હોવાથી એના એવા પરિણામો થતા નથી.
વસ્તુતઃ ક્ષાયોપથમિક જ્ઞાન, સુખ-દુઃખાદિ લાગણીઓ, કામક્રોધાદિ ભાવો.. આવી બધી આપણી જે કાંઈ સંવેદનાઓ છે એ, નથી સંપૂર્ણ શુદ્ધ એવા મુક્તાત્મામાં હોતી કે નથી માત્ર જડ એવા કેવલ પુદ્ગલાત્મક ઘટ વગેરેમાં હોતી. એ તો કર્મ કે ઔદારિક શરીર વગેરે પુદ્ગલની સાથે ક્ષીરનીરવતું એકમેક થયેલ આત્મદ્રવ્યમાં જ હોય છે. એટલે કે જડ પુદ્ગલ અને ચેતન આત્મા.. આ બંનેના સંમિશ્રણમાં જ હોય છે. જ્યાં જ્યાં આ સંમિશ્રણ છે, ત્યાં ત્યાં (=સંસારી જીવોમાં) એ જોવા મળે છે. ને જ્યાં જ્યાં એ નથી, ત્યાં ત્યાં (=મુક્તાત્મામાં કે ઘટાદિમાં) એ જોવા મળતા નથી. તો જ્ઞાનાદિને આ સંમિશ્રણમાંથી મૂળભૂત રીતે કોના પરિણામરૂપ માનવા? જડના કે ચેતનના ?