________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३८५ આકાશ નથી પકડતું. વસ્ત્ર રંગને પકડે છે, હવાને નથી પકડતું. આ વાતો જણાવે છે કે જે ચોંટે છે એમાં ચોંટવાની યોગ્યતા જોઈએ અને જેને ચોંટે છે એમાં ચોંટાવાની યોગ્યતા જોઈએ. રંગમાં યોગ્યતા છે, માટે રંગ ચોંટે છે, હવામાં નથી, માટે હવા નથી ચોંટતી. વસ્ત્રમાં ચોંટાવાની યોગ્યતા છે માટે રંગથી ચોંટાય છે, આકાશમાં નથી, માટે રંગથી પણ નથી ચોંટાતું. દીવાલ-કાચ વગેરે પર જડબેસલાક ચોંટી જતું સ્ટીકર, એની નીચે જે જીલેટીન પેપરની શીટ હોય છે એના પર એવું ચોંટતું નથી, તેથી ફટ દઈને ઉખેડી શકાય છે. આનું કારણ એ પેપરશીટની ચોંટાવાની અયોગ્યતા સિવાય બીજું શું છે ? આવું જ આત્મા અને કર્મ અંગે છે. કર્મો આત્માને ચોંટે છે (Fકર્મનો બંધ થાય છે.) કર્મ પુદ્ગલોની એવી યોગ્યતામાત્રથી જ જો એ ચોંટી જતા હોય.. (એટલે કે આત્મામાં એવી કોઈ વિશેષ યોગ્યતા માન્યા વિના જ કર્મબંધ થઈ શકતો હોય, તો તો કર્મો આકાશ વગેરેને પણ ચોંટી જવાં જોઈએ, કારણ કે કર્મપુદ્ગલોની યોગ્યતા તો અક્ષત જ છે. પણ, એ ચોંટતા નથી, એટલે માનવું પડે છે કે આકાશાદિમાં ન હોય એવી કોઈક યોગ્યતા આત્મામાં છે જેના કારણે કર્મો આત્માને ચોંટે છે. એ જ રીતે, યોગ્ય એવા પણ આત્માને કર્મપુદ્ગલો જ ચોંટે છે, ધર્માસ્તિકાયાદિ નહીં. એટલે કર્મપુદ્ગલોમાં પણ એવી કોઈક યોગ્યતા માનવી પડે છે જે ધર્માસ્તિકાયાદિમાં નથી. આમ, આત્માને કર્મનો બંધ થવામાં આત્મા અને કર્મ એ બંનેની તેવી તેવી યોગ્યતા ભાગ ભજવે છે એ નિશ્ચિત થયું. એમાં આત્મામાં જે યોગ્યતા પડી છે, એ કર્મબંધ કરાવવા દ્વારા આત્માના શુદ્ધસ્વરૂપને મલિન કરે છે, માટે મલ કહેવાય છે. વળી, આત્મા અનાદિકાળથી છે અને કર્મબંધ અનાદિકાળથી છે. માટે આ મલને પણ આત્માની સાથે સાથે અનાદિકાળથી માનવો જરૂરી છે. માટે એ સહજમલ કહેવાય છે.
કર્મબંધની આ યોગ્યતા=સહજમળ કિંસ્વરૂપ છે? એ વિચારણામાં કોઈક કહે છે કે આકાશાદિમાં ન હોય ને આત્મામાં હોય એવું તો જીવત્વ છે. માટે એને જીવત્વસ્વરૂપ જ માની લ્યો ને ! ગ્રન્થકાર આ વિચારણાને નકારે છે, કારણ કે આવું માનવામાં અતિપ્રસંગ થાય છે. તે આ કે જીવત્વ તો મુક્ત જીવોમાં પણ સમાન રીતે રહ્યું હોવાથી તેઓને પણ કર્મબંધ માનવો પડે.
આમ, કર્મબંધની યોગ્યતાને જીવત્વસ્વરૂપ માની શકાતી નથી, તો કેવી માનવી ? એવી માનવી જોઈએ કે જે સિદ્ધાત્મામાં ન હોય ને સંસારી આત્મામાં હોય, એટલે ગ્રન્થકાર કહે છે કે એ યોગ અને કષાયસ્વરૂપ છે. આશય એ છે કે કર્મબંધ પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ.. આમ ચાર પ્રકારે થાય છે. એમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે, સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય છે. એટલે પરિપૂર્ણ બંધ માટે યોગ્યતાને યોગ અને કષાય ઉભયસ્વરૂપ માનવી પડે છે. યોગ્યતા પ્રબળ હોય ત્યારે દોષો તીવ્ર હોય છે અને
આ યોગ્યતા નબળી હોય ત્યારે દોષો મંદ થાય છે. એટલે સહજમળરૂપ યોગ્યતા અલ્પ થવા પર ગાઢતર મિથ્યાત્વ રૂપ પ્રબળ દોષ દૂર થઈ મંદમિથ્યાત્વરૂપ બને છે. ગાઢતર મિથ્યાત્વ (=ઉત્કટ વિષયેચ્છા) રવાના થવાથી મુક્તિદ્વેષ રવાના થવાના કારણે મુક્તિઅદ્વેષ આવે છે.
શંકા કર્મબંધની યોગ્યતા જો યોગ અને કષાયરૂપ છે, અને એની અલ્પતા થવા પર જો મુક્તિઅદ્વેષ આવે છે, તો તો દરેક એકેન્દ્રિય જીવમાં મુક્તિઅદ્વેષ માનવો પડશે, પછી ભલે ને એ જીવ અચરમાવર્તમાં રહ્યો હોય, કારણ કે પંચેન્દ્રિય જીવની અપેક્ષાએ એકેન્દ્રિય જીવના યોગ અને કષાયો અતિઅતિ અલ્પ હોય છે.
સમાધાન: અન્ય વિવેચનકારે આ વાત સ્વીકારી છે કે એકેન્દ્રિયમાં કર્મબંધની યોગ્યતા અલ્પ હોય છે, પણ એ વિચારણીય છે, કારણ કે તો શું બધા એકેન્દ્રિયોમાં મુક્તિઅદ્વેષને તેઓ સ્વીકારશે ?