________________
આંખનો સ્વભાવ જોવાનો છે. એ જોયા વિના રહેવાની નથી તો ભલે જુએ, પણ એની છાપ મન પર પડવા દેવી કે નહિ તેનો વિવેક તો માણસે જ કરવાનો છે. ધર્મી થવું એટલે દુ:ખી થવું, કે આંખ બંધ કરીને ચાલવું, કે સુંદરના દુશ્મન બનવું એવો તો નથી જ. ધર્મી આત્મા તો સદા પ્રસન્ન હોય. તે સદા યોગનો આનંદ માણી રહ્યો હોય છે, વિયોગનો નહિ. આવો નિર્દોષ આનંદ જ્યાંથી મળે ત્યાંથી લો. જે આત્માનું સુખ માણે છે તે જ ખરો ધર્મી માણસ.
ક્રીડામાં લાગેલા બાળકની જેમ માનવીએ પણ નિર્દોષતામાં જીવવાનું છે. ધૂળમાં રમતું બાળક, ધૂળનો કંસાર પીરસી આનંદ અનુભવે છે. માનવીનો ભોગ પણ બાળકના આ ધૂળના કંસાર જેવો છે. માત્ર ફેર એટલો છે કે ધૂળમાંથી બનાવેલો મહેલ તૂટી જતાં બાળક આનંદ પામે છે. જ્યારે આસક્તિવાળા માનવીનું ઘર ભાંગી જાય છે ત્યારે એ રડવા બેસે છે.
માનવીનો આ આનંદ શાશ્વત નથી રહ્યો. માનવી લોભમાં સંડોવાયેલો છે. જેઓ દુનિયાની બાહ્ય વસ્તુઓના આનંદમાં પડેલા હોય છે તેઓ જ્ઞાનમાં અપૂર્ણ છે. જેને અનંત જ્ઞાનનું દર્શન હોય છે તે બહારની વસ્તુના આનંદની નહિ, પણ અંતરના આનંદની અપેક્ષા રાખે છે; એ તો આત્માની પૂર્ણતાનાં સ્વપ્નાં સેવતો હોય છે.
આ વ્યાખ્યાનોનું માત્ર શ્રવણ કરીને બેસી રહેવાનું નથી, પણ એ વ્યાખ્યાનોને પચાવવાનાં છે.
સોનું બહુ કીમતી છે પણ વાસ્તવિકતામાં એની કિંમત ચિંતા છે. સૂવા માટે લોખંડનો પલંગ કામ લાગે છે પણ સોનાની પાટ કામ લાગતી નથી. સોનાની પાટ પર સૂઓ તો રાત્રે શાન્તિથી ઊંઘ પણ આવે કે ?
આજે આપણા જીવનમાં મોહનો એવો એક થર લાગ્યો છે કે જ્ઞાનનાં કિરણો આપણી અંદર બેઠેલા આત્માને પહોંચી જ શકતાં નથી. જે પદાર્થોને અડતાં સંકોચ જાગે એવા પદાર્થોમાં માણસ આજે રાચે છે, સુખ માને છે. જ્યારે આપણાં અંતરચક્ષુઓ ઊઘડશે ત્યારે આને ખરા સ્વરૂપમાં જોવાની આંત૨દૃષ્ટિ આપણને મળશે.
ઘણી વા૨ે પૈસો જીવનમાં દુ:ખ અને દંભ લાવે છે. પૈસો આવે એટલે ધર્મ આઘો રહી જાય છે. પૈસો માણસને ભાગ્યે જ પુણ્યપંથે લઈ જાય છે. પૈસો તો માનવીને ઘણી વાર વિવેકશૂન્યતા તરફ પણ ધકેલી દે છે અને આત્માની અધોગતિ કરાવે છે. માટે જેને પાંચે ઇન્દ્રિયોની પૂર્ણ પટુતા, ધનસંપત્તિ મળ્યાં હોય તેણે વિવેકથી વર્તવાનું છે, અને તેમ થાય તો સંપૂર્ણ અંગોપાંગ એ પણ ગુણ છે.
તા. ૮-૭-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org