________________
સાધુએ કહ્યું કે ભલે, પેલી બાજુ ખાડો ખોદીને મૂકી જા. ભક્ત તો એમ કરી, નિર્ભય થઈને જાત્રાએ ગયો.
બાર મહિને એ પાછો આવ્યો. સાધુ પાસેથી પેલી કોથળી માગી. સાધુએ કીધું કે તેં કોથળી જ્યાં મૂકી હશે ત્યાં જ એ હશે. ખોદીને સોનામહોરની કોથળી એણે કાઢી અને પછી બે મોઢે સાધુની પ્રશંસા કરવા માંડ્યો. આટલી સ્તુતિ કરવા છતાં પેલા સાધુને એની કાંઈ જ અસર ન થઈ. પણ આપણે તો જરાક અનુકૂળતાં મળતાં ફુલાઈ જઈએ છીએ અને પ્રતિકૂળતા મળતાં સંકોચાઈ જઈએ છીએ. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે જીવનમાં તો બેઉ રહેવાનાં. બધા દહાડા કાંઈ સરખા નથી હોતા. જીવનમાં સંયોગ અને વિયોગ આવ્યા જ કરે છે, અને આવ્યા જ કરવાના. આપણે એ વખતે સમતા કેળવવાની છે. એટલે ધીમે ધીમે મનને શાંત કરવા મળે. મન જ્યારે આવેગમાં કે આવેશમાં આવી જાય ત્યારે અંદરના આત્માએ એને શાંત કરવા મથવું જોઈએ; પ્રગતિની શાન્તિ જાળવી રાખવી જોઈએ. આપણે જોયું કે પેલા સાધુની સ્તુતિ થઈ ત્યારે એ ફુલાયા નહિ; એમ જ પ્રશંસાથી આપણે ફુલાવાનું નથી; નિંદાથી મૂંઝાવાનું નથી. કોથળી લઈને પેલો ભક્ત ઘેર આવ્યો. સ્ત્રીને કહ્યું કે નાહીને આવું છું; પછી જમીએ. પેલી સ્ત્રીએ તો હરખમાં ને હરખમાં લાડુ બનાવવાનો વિચાર કર્યો. પેલી કોથળીમાંથી એક સોનામહોર કાઢી ચીજવસ્તુ લઈ આવી અને ભોજન તૈયાર કર્યું, પેલો નાહીને આવ્યો અને લક્ષ્મીવંદન કરવા બેઠો. પણ મહોરો ગણી તો એક ઓછી. એને થયું કે પેલો સાધુ જ ચોર લાગે છે. મારા બેટાએ ધીમે રહીને એક કાઢી લીધી લાગે છે અને પાછો સંત થઈને બેઠો છે ! હું જાઉં અને એને ખબર પાડી દઉં. આવેશમાં ને આવેશમાં એ દોડ્યો. જુઓ ! આવેશમાં હવે અસ્થિરતા આવતાં એ કોઈને સાંભળવા તૈયાર નથી. બૈરી પૂછતી રહી અને એ તો ભાગ્યો સાધુ પાસે. આવેશમાં એનું મગજ પણ એના કાબૂમાં ન રહ્યું.
સાધુ તો ચેલાઓ વચ્ચે શાન્તિથી બેઠા છે. ત્યાં તો એણે આવીને ‘ચોર પાખંડી ! ઊભો રે' ! તારી ખબર લઉં' કહેતો ગમે તેમ બોલવા લાગ્યો. આવેશ માણસમાં કેવો દૃષ્ટિભ્રમ અને મતિભ્રમ ઊભો કરે છે ! એ ગમે તે બોલી નાખે છે. ચૂંટી ચૂંટીને હલકામાં હલકા શબ્દો એણે સાધુને સંભળાવ્યા અને કહ્યું કે સોનામહોર ચોરી છે તે આપ, નહિતર આખા ગામમાં બદનામ કરીશ. સાધુ તો શાંત રહ્યા. પેલો થાકીને પાછો ફર્યો. રસ્તામાં જેટલા લોકો મળ્યા તે બધાને કાને સાધુનું ખરાબ બોલી એણે એને બદનામ કર્યા.
ઘેર આવીને એણે સ્ત્રીને બધી વાત કરી કે એ સાધુએ સોનામહોર ચોરી,
Jain Education International
૧૩૪ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org