________________
પણ એને કોણ સન્માન આપે ! જેઓ દુનિયામાં લોકપ્રિય બન્યા છે, તેમણે દેશ, ગામ માટે કાંઈક કામ કર્યું હોય છે; એથી જ એમનું સ્થાન લોકોના હૃદયમાં જાગે છે. જે આમ બીજાને ખાતર જીવે છે તે હંમેશાં લોકપ્રિય થવાનો જ. ચંદન જેમ ઘસાય છે અને તેની સુવાસ વધુ આપે છે, તેમ માણસ બીજાની સેવામાં જો ઘસાઈ જાય તો જ સમાજમાં એની સુવાસ પ્રસરે.
આ છોકરો કામને લીધે, વિનયને લીધે, મંત્રીને વહાલો થઈ ગયો. એકવાર મંત્રી રાજા પાસે ગયા ત્યારે એ પણ સાથે ગયો. એના જીવનમાં એક જ ધૂન કે પેલી ત્રણ વાતો જીવનમાં ઉતારવી. મંત્રી સાથે આ ફલશાળ પણ શ્રેણિક રાજા પાસે પહોંચ્યો. મંત્રીએ રાજાને નમન કર્યું, એટલે આ સમજ્યો કે મંત્રી કરતાં આ રાજા મહાન લાગે છે, માટે આ રાજાની સેવા કરવી વધુ ઠીક છે.
માણસ જો ફલશાળની માફક આમ એક જ વાતને વળગે તોય ક્યાં સુધી એ જઈ શકે છે, એ જુઓ. પછી તો એકમાંથી અનંત જાગશે. વડલાના એક બીજમાંથી જબરદસ્ત વડલો ઊભો થાય છે ને ? હજારોને આરામ અને શાન્તિ આપે છે. એમ જીવનમાં ગુણરૂપી બીને ભૂમિ, પાણી સારાં મળી જાય તો જ એ ફૂલે-ફાલે છે.
માટે આપણે પણ હજાર વાતને વળગવા કરતાં, એક સગુણને વળગવું જોઈએ. આજે લોકો દરેક વસ્તુ જરા જરા જાણે છે. "Jack of all and master of none'માં મજા નથી. મજા તો એક વિષયમાં પૂર્ણતા મેળવવામાં છે; એકના સ્વામી બનવામાં છે; અનેકમાં ચંચુપાત કરી જીવન વેડફી ન નાખો. એકાદ વાત, એકાદ સદૂગણને પણ એવો કેળવો એની સાથે તમારું નામ જોડાઈ જાય. જ્યારે એકમાં આવી ખરી સંપૂર્ણતા કેળવશો, ત્યારે તમારો એ સગુણ તમારી સાથે એકાકાર બની જશે. અભયકુમારની બુદ્ધિ, બાહુબલિનું બળ, કેવન્નાનું સૌભાગ્ય – વગેરે, આજે અઢી હજાર વર્ષ થવા છતાં તમે તમારા ચોપડામાં યાદ કરીને લખો છો. આનું કારણ એ કે તેઓ તે તે ગુણોમાં પૂર્ણ હતા.
આપણે પણ એકને વળગી, એમાં પૂર્ણ બનીને જીવવાનું છે; સદ્ગુણની વ્યાપકતા જીવનમાં કેમ આવે તે માટે પ્રયત્ન કરવાનો છે. દર વર્ષે એકાદ ગુણના પણ જો તમે સ્વામી બનો તો, ૨૫-૩૦ વર્ષમાં કેટલા બધા ગુણ આવી જાય ! પણ આજે માણસ આ વાત વિચારે છે જ ક્યાં !
આપણા જીવનનાં પાણી આમ વેરવિખેર ન થઈ જાય માટે આપણે તો નીક બનવાનું છે. નીક હશે તો એ દ્વારા ક્યારામાં પાણી પહોંચશે. તમારા જીવનમાં આજે આવી કોઈ નીક છે ખરી ? આનો વિચાર કર્યો છે ખરો ?
ધર્મરત્નનાં અજવાળાં - ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org