________________
મહાવીરને તે વિશે પૂછ્યું, પણ તેઓ તો ધ્યાનમાં હતા, મૌનમાં હતા. એટલે ગોવાળ બળદ શોધવા ચાલ્યો. પણ બળદ ક્યાંય ન મળ્યા ત્યારે એ પાછો આવ્યો અને જોયું તો બળદ મહાવીર ભગવાન આગળ આવી ઊભા હતા.
ગોવાળને ખૂબ ગુસ્સો ચડ્યો. એને થયું કે આ માણસે જ બળદ સંતાડ્યા હતા. એટલે તે ગાળો દેવા માંડ્યો. પણ ભગવાન તો ધ્યાનમાં હતા એટલે એની સામું પણ ન જુએ.
આથી ગોવાળે શૂળ અને ખીલી લાવી મહાવીરના બન્ને કાનોમાં ખોસી દીધાં.
ધડધડાટ લોહી વહી રહ્યું. વેદના અસહ્ય હતી; છતાં મહાવીર ધ્યાનમાં મસ્ત જ રહ્યા. વેદનાનો ઊંહકાર પણ ન કર્યો, કારણ કે તે ધ્યાનની સમાધિ હતી.
બીજો પ્રસંગ એવો છે કે એક વખતે ઇન્દ્ર મહાવીર પ્રભુને વિનતિ કરી : “ભગવાન, આ બાર વર્ષ આપને બહુ જ કષ્ટ પડવાનું છે; એટલે આપ મને અનુજ્ઞા આપો તો આ બાર વર્ષ આપનો ચોકીદાર બની રહ્યું.”
આપણા જેવા સામાન્ય માણસો તો આવો ચોકીદાર મળતો હોય તો હરખાઈ જાય... જ્યારે ભગવાને કહ્યું, “ઇન્દ્ર, મોક્ષનો માર્ગ તો કંટકવાળો જ હોય...એ માર્ગે જનારાથી ચોકીદાર ન રખાય. ચોકીદારથી બીજું બધું મળે, પણ મોક્ષ ન મળે.”
આ હતું ભગવાન મહાવીરનું મહાવીરત્વ.
ત્રીજો પ્રસંગ એવો છે કે એક દિવસ ઉનાળાના બળબળતા બપોરે વનવગડાના માર્ગે તેઓ જતા હતા. ત્યાં એક ગોવાળે રોક્યા અને કહ્યું, “આ રસ્તે ન જશો, કારણ કે આ રસ્તો બહુ ભયંકર છે. આગળ જતાં એક ચંડકૌશિક નામનો સર્પ આવે છે. એની નજર તમારા પર પડતાં જ તમારો દેહ બળીને ખાક થઈ જશે. એટલે આ રસ્તે જવાનું માંડી વાળો.”
ફૂલનો માર્ગ તો સૌ સ્વીકારે પણ આ તો મહાવીર ! કાંટા પર ચાલે, ઝેરને પચાવે છતાં એમની પ્રસન્નતા ન જાય. એ તો ચાલ્યા ઉજ્જડ માર્ગે. માર્ગમાં એક રાફડો આવ્યો અને એ ત્યાં થંભ્યા.
માનવગંધ આવતાં ચંડકૌશિક રાફડામાંથી બહાર આવ્યો. એની દૃષ્ટિ ઝેરી હતી. નજર પડે ત્યાં માનવ હોય કે વૃક્ષ, પણ તે બળીને ભસ્મ થઈ જાય.
પોતાના રાફડા પાસે જ આસન જમાવનાર મહાવીરની હિંમત સામે એને ખૂબ ગુસ્સો આવ્યો અને એ ગુસ્સો ઝેરી આંખ વડે ઉલેચાઈ રહ્યો.
૨૭૪ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org