________________
ત્યારથી વર્ધમાન મહાવીર” કહેવાયા.
એ યૌવનમાં આવ્યા. માતાપિતાના આગ્રહ અને પોતાને ભોગવવાના કર્મના ઉદયથી એમણે યોદા સાથે લગ્ન કર્યાં. પુષ્પ અને પરિમલ જેવું એમનું મિલન હતું. પ્રેમની સુવાસ એમાં મહેકતી હતી. એમના પ્રેમના પ્રતીકરૂપ પુત્રી જન્મી. એ પુત્રીનું નામ પણ પ્રિયદર્શના પાડવું. વર્ધમાનની પ્રેમઉષ્મામાં પ્રિયદર્શના અને યશોદા ખીલી રહ્યાં, અને પ્રકાશથી પ્રસન્ન હતાં.
ભગવાન મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે માતાપિતા બન્ને દેવલોક સિધાવી ગયાં. હવે પોતાની અંતરપ્રેરણા પ્રમાણે સાધનામાર્ગે જવા માટે તેઓ મુક્ત હતા.
શ્રી વર્ધમાન ત્યાગના માર્ગે જવાની તૈયારી કરી મોટા ભાઈ નંદિવર્ધનની આજ્ઞા માગતાં તેમણે કહ્યું : “ભાઈ, મને મારે માર્ગે જવાની રજા આપો. દૂરદૂરથી અગમનો સાદ મને બોલાવી રહ્યો છે. મારું રાજ્ય જ્યાં મૃત્યુ થાય એવી ધરતી પર નહિ, પણ અમૃતની આત્મભોમમાં છે. પંથ બોલાવી રહ્યો છે. જન્મ, જ૨ા અને મૃત્યુથી રિબાતાં પ્રણીઓની ચીસો મને સંભળાય છે. મને જવા દો, મુક્તિને માર્ગે જવા દો.'
નંદિવર્ધને વેદનાભર્યા કંઠે કહ્યું : “પિતા અને માતા જાય અને નાનો ભાઈ પણ જાય ત્યારે મારા હૃદયને શું થાય તેની કલ્પના તો કરો, વર્ધમાન ! દૂરનો સાદ સાંભળનારો ભાઈ, મારો દર્દભર્યો સાદ નહિ સાંભળે ? સૌની ઉપર દયા કરનાર પોતાના મોટા ભાઈ પર દયા નહિ કરે ? મારે ખાતર બે વર્ષ અહીં તમારા આ બંધુ સાથે રહો.''
મહાવીરનો આત્મા સ્નેહથી નીતરતો હતો. તેઓ મોટા ભાઈના સ્નેહને અવગણી ન શક્યા અને બે વર્ષ સંસારમાં રહ્યા પણ અલિપ્ત પંકજની જેમ. ત્રીસમે વર્ષે મહાભિનિષ્ક્રમણ કરી સંયમ લઈ તેઓ આત્મસંશોધનની સાધનામાં લાગી ગયા.
સાડાબાર વર્ષ સુધી અપ્રમત્ત રહી મૌન, સંયમ, તપ અને ધ્યાનમાં તેઓ સ્થિર થઈ રહ્યા હતા. આ સાધનાકાળ ઘણો કપરો હતો.
આ સાધના દરમિયાન તેઓ ઝાડ નીચે ધ્યાનસ્થ હતા. ત્યાં એક ગોવાળ આવ્યો અને “આ મારા બળદને સાચવજો' એમ કહી તે જમવા ગયો.
ભગવાન મહાવીર તો ધ્યાનમાં હતા. એટલે ગોવાળના ગયા પછી બળદ રખડવા ચાલ્યા ગયા. પેલા ગોવાળે પાછા આવી જોયું તો બળદ નહોતા. તેણે મહાવીરને તે વિષે પૂછ્યું, પણ તેઓ ધ્યાનમાં હતા, મૌનમાં હતા. ઉત્તર ન મળતાં ગોવાળ બળદ શોધવા ચાલ્યો. પણ ક્યાંય ન મળ્યા, ત્યારે એ પાછો આવ્યો અને જોયું તો બળદ મહાવીર ભગવાન આગળ આવીને ઊભા હતા.
Jain Education International
૩૨૦
* ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org