________________
સર્જાઈ રહી છે. માણસ હૃદયથી એમ માનતો થયો છે કે જેમ જેમ વિજ્ઞાનનાં સાધનો વધશે, આવિષ્કારો થશે તેમ તેમ તે આગળ વધેલો ગણાશે.
કોઈ પણ માણસ આવીને કહે: ‘વિજ્ઞાન આપણને આગળ નથી લાવ્યું ?' તો “હા” જ કહેવી પડશે અને એમાં સૂર પુરાવવો પડશે કે આજનાં જેવાં ભવ્ય સર્જનો કયા યુગમાં હતાં ? જો માણસે પ્રગતિ કરી ન હોત તો આપણે આટલા બધા આગળ આવત ક્યાંથી ?
હજારો માઈલનો પંથ, આજે પ્લેન દ્વારા કલાકોમાં કપાય છે. વાત વાતમાં તો ક્યાંના ક્યાં પહોંચી જવાય છે ! આના કરતાં વધુ બીજી પ્રગતિ દુનિયામાં કઈ હોઈ શકે ? ઘણી વાર આ દલીલો સામે આપણે મોન સેવવું પડે છે કારણ કે એ વાત સાચી છે.
ગાડામાં બેસી વીસ માઈલ જવાનું હોય તો બળદિયા થાકે, વચ્ચે ગાડું છોડવું પડે, બળદને ઘાસ આપવું પડે; કેટકેટલો પ્રયત્ન કરે ત્યારે વીસ માઈલ જવાય.
પણ આજે હવે લંડન જવું હોય કે અમેરિકા જવું હોય તો પણ બહુ વિચાર કરવો પડતો નથી. સૌ હસતાં હસતાં વિદાય આપે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે આપણી પ્રગતિ, આપણી ગતિ, આપણી ઝડપ ખૂબ જ વધી છે અને હજી વધી રહી છે. આપણું મન એ રીતે તૈયાર થઈ રહ્યું છે. આપણને સાચે જ લાગે છે કે આપણે આગળ વધેલા માણસ છીએ.
પણ આ બધામાં માનવીનું સ્થાન શું છે તે શાંતિથી વિચારવું પડશે. આજે યંત્ર આગળ વધે છે, પણ માણસ ક્યાં છે ? યંત્રનાં મૂલ્યો છે તેના પ્રમાણમાં, માણસનાં મૂલ્યો ઘટ્યાં છે કે વધ્યાં છે ? ખરું કહું ? આજે માણસ સસ્તો બન્યો છે, મશીન મોંઘું બન્યું છે. મશીનની મહત્તા જેટલી પણ માણસની મહત્તા રહી નથી. એટલે જ આજે માણસ, માણસોને સાધનોથી માપે છે. માણસનું માપ સદ્ગણની સામગ્રીથી નથી થતું પણ બાહ્ય સાધનોની સામગ્રીથી થાય છે.
આજની ઝડપ અને વેગની અસર માણસના જ્ઞાનતંતુઓ પર અને વિચાર પર અકલ્પનીય રીતે થઈ રહી છે. સ્વસ્થતાથી માણસ આજે જીવન અને જગત અંગે વિચારી જ શકતો નથી. માણસનું મૂલ્ય એના ચારિત્રથી, એની સેવાથી, એની ઉદારતાથી, એના પરોપકારી સ્વભાવથી થવું જોઈએ તેને બદલે એના બાહ્ય સંગ્રહથી અને સાધનોથી જ થવા લાગ્યું છે. એટલે માણસ કેવો પવિત્ર છે તે નહિ, પણ એ કેટલું રળે છે, કમાય છે, તે જ માત્ર જોવાય છે.
૨૮૬ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org