________________
સાધન, માણસ માટે હોય. માણસ, સાધન માટે ન હોય. વસ્તુઓ માણસની આસપાસ ચક્કર લગાવે તેને બદલે માણસ વસ્તુઓની આસપાસ ચક્કર લગાવે તો વસ્તુનું મૂલ્ય વધી જાય અને માણસની કિંમત કંઈ જ ન રહે.
આ રીતે સાધન અને સાધકનો વિવેક જીવનમાં આવતાં, સાધન માટે આજે ઘરઘરમાં જે ઝઘડા થાય છે, જે મનદુ:ખ થાય છે તે નહિ થાય, કારણ કે સાધકનો વિવેક, સાધન માટે બાઝતાં એને અટકાવશે.
આ વિવેકભાવ ઘરમાં જાગશે તો ઘરમાં કલહને બદલે શાન્તિ પ્રસરશે, દેશમાં આ ભાવ પ્રસરશે તો દેશમાં આન્તરદ્વેષ અને ઝઘડાને બદલે પ્રેમ અને શાન્તિ ફેલાશે, વિશ્વમાં આ વિચારધારા વહેતી થશે તો આ વિશ્વયુદ્ધ અને અણુબોમ્બને બદલે, વિશ્વમૈત્રી અને વિશ્વશાન્તિ આવીને વસશે.
તમને કદાચ થશે કે આ મેદાનમાં બેઠેલા દશ-બાર હજાર માણસોના શ્રવણથી કાંઈ થોડી જ વિશ્વશાન્તિ આવી જવાની છે ? અને જગતના પ્રવાહો પલટાવાના છે ?
પણ મારો નમ્ર અભિપ્રાય એ છે કે અહીં બેઠેલાં ભાઈબહેનો આ વિચારને પૂરા ચિન્તનથી સમજી જીવનમાં ઉતારશે તો એની અસર આખા ઘર પર થશે તમારા ઘરનું વાતાવરણ આથી સારું થશે તો આવતી કાલે એનું અનુકરણ તમારા પડોશી કરશે. પડોશીની અસર આખા સમાજ પર થશે. પછી સમાજની અસર દેશ અને દેશની અસર આખા વિશ્વ પર થશે. અલબત્ત, આમ સારા વિચારોને પ્રસરતાં સમય જરૂર લાગે છે, પણ એ વિચારનો પ્રારંભ કરનારમાં શ્રદ્ધા હોય તો એ પ્રસર્યા વિના રહેતો જ નથી. આજે જગત પર જે સારા વિચારો છે તેની શરૂઆત પણ એકાદ વ્યક્તિથી જ થઈ હશે ને ? પછી એ વ્યક્તિના વિચારો સમષ્ટિમાં સંક્રાન્ત થયા અને તે આજે જગતની મૂડી બનીને રહ્યા. તેમ આપણે પણ, આ વિચારને અમલમાં મૂકવાનો અને આત્મસાતું કરવાનો પૂર્ણ શ્રદ્ધાથી પ્રયત્ન કરીશું તો એનું શુભ પરિણામ પણ જરૂર આવશે જ.
આ પ્રવચનમાં વ્યક્ત થયેલા વિચારો, જીવનમાં ઊતર્યા પછી માણસ સાધનનો અનુચર નહિ હોય પણ સ્વામી હશે. ત્યારે માણસ દેહને જ સર્વસ્વ નહિ માનતો હોય પણ આત્મસત્તાનો અનુભવ કરતો હશે. એ મરણથી ડરતો ફરતો નહિ હોય પણ મૃત્યુને એકમાત્ર દીર્ઘ પ્રવાસ માનતો હશે અને એ પ્રવાસમાં કામ લાગે તેવા ભવના ભાતાને સાથે લેવાની તૈયારી આ જન્મમાં કરતો હશે. આવા માનવીનું સ્થાન કોઈ પણ યુગમાં અપૂર્વ જ હશે. એવું સ્થાન માનવીને મળો એ શુભેચ્છા.
ચાર સાધન : ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org