________________
આમ ગુરુ વચ્ચે જબરું અંતર છે. એક, શિષ્યના વિત્તને હરણ કરે છે, બીજો, શિષ્યના ચિત્તને ઉપકાર કરે છે. શિષ્યના ચિત્તને ઉપકાર કોણ કરે ?
જેને પરિગ્રહનું બંધન ન હોય, પરિગ્રહનો માથે ભાર ન હોય તે. નાવ તરે | ક્યારે ? જ્યારે તેમાં વધારે પડતો ભાર ન હોય ત્યારે.
એરોપ્લેનમાં પણ વધારે પડતો ભાર હોય તો જિંદગી સલામત રહેતી નથી. આથી તોલ વગેરે બધું જોવું પડે છે. વધારે પડતો ભાર હોય તો ન લે, કારણ કે અધ્ધર આકાશમાં જવાનું છે તે એરોપ્લેન ચલાવનાર સારી રીતે જાણે છે.
એરોપ્લેન ચલાવવું હજુ સહેલું છે, પણ સંસાર-સાગરને પેલે પાર લઈ જવા માટેની નાવ ચલાવવી અઘરી છે. એમાં તો ઓછામાં ઓછો ભાર જોઈએ. નાવ ચલાવનાર કપ્તાન પણ કુશળ હોવો જોઈએ. કપ્તાન અસાવધાન હોય અને ભાર વધુ પડતો હોય તો નૌકા સલામત રહેતી નથી, માટે ગુરુ એવા હોવા જોઈએ, જે શિષ્યોના ચિત્તના ભલાની કામના કરતા હોય. એવા ગુરુથી શિષ્ય કદી પણ અધર્મ ન પામે. શિષ્ય લેવા માટે વારંવાર અગ્રહ કરે પણ ગુરુ ના કહે. લાખો રૂપિયા ગુરુના ચરણે ધરી દે પણ ગુરુને તેની પડી ન હોય.
પણ આજની પરિસ્થિતિ કંઈક જુદી છે.
એક શહેરમાં એક બહુરૂપી આવેલ. એક દિવસ તેણે સાધુનો વેશ લીધો, ને એક કરોડપતિને ત્યાં ગયો. શેઠે બેસવા વિનંતિ કરી. એ ચટાઈ ઉપર બેઠો. સંસારની અસારતાનો અને દેહની ક્ષણભંગુરતાનો એણે સચોટ ઉપદેશ આપ્યો અને પછી કહ્યું કે તમે વૃદ્ધ થયા છો. ખાનાર કોઈ નથી. મળેલી લક્ષ્મીનો સદુપયોગ કરો. ઉપદેશ સાંભળી ત્યાં હતા તે બધાનાં દિલ પીગળી ગયાં અને કહેવા લાગ્યા કે, આપે ઉપદેશ આપી અમારા પર મહાન ઉપકાર કર્યો. શેઠાણીએ અંદર જઈ, કબાટ ખોલી, સોનામહોરથી ભરેલો થાળ સાધુ સામે ધર્યો, અને કહ્યું : “આપે અમારા ઉપર મહાન ઉપકાર કરી અમને લક્ષ્મીની ચંચળતા સમજાવી. આપ આ ગ્રહણ કરી અમને આશીર્વાદ આપો.” પણ આ સાધુવેશધારી બહુરૂપી તેને ઠોકરે મારી ચાલતો થયો. શેઠને સાધુ પ્રત્યે માન ઉત્પન્ન થયું. આ રીતે ગામમાં એક મહિનો રહીને જુદા જુદા વેશ એણે ભજવ્યા. અને મહિના બાદ શેઠ પાસે આવીને ભીખ માગી.
શેઠે કહ્યું તમારું મોટું અને અમારે ત્યાં આવેલ સાધુનું મોટું સરખું લાગે છે.
બહુરૂપીએ કહ્યું : આપની વાત સાચી છે. તે સાધુ તે હું જ હતો.
શેઠે કહ્યું : તે વખતે સોનામહોરથી ભરેલો થાળ લીધો હોત તો આ ભીખ ન માગવી પડત.
ચાર સાધન * ૨૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org