________________
પરહિતમાં હકારાત્મક કે નકારાત્મક, બેઉ ભાવો સમાયેલા છે. સૌનું ભલું કરવું, એ હકારાત્મક; કોઈનો ઉપકાર ન લેવો, એ નકારાત્મક. પારકાનું લેતાં માણસને દુખ થવું જોઈએ; કારણ કે લીધેલું વ્યાજ સાથે પાછું આપ્યા વગર છૂટકો થવાનો નથી.
આજે બધા લોકોમાં એક જ મનોવૃત્તિ દેખાય છે કે વધારેમાં વધારે લેવું અને ઓછામાં ઓછું આપવું. પણ ખરો ધર્મ તો એ છે કે ખાઈને રાજી થવાને બદલે ખવડાવીને, લેવાને બદલે દઈને રાજી થાઓ. લૂટેલું કે પડાવેલું ક્યાં સુધી ટકશે ?
જે કાર્ય કરવાથી માણસને નીચું જોવું પડે એ એણે શા માટે કરવું જોઈએ ? આત્મા ના પાડે, પછી કોઈ પણ વસ્તુ શા માટે સ્વીકારો છો ? આને બદલે આત્માનું એવું તેજ કેળવો જેથી તમે શરમજનક એવું કાંઈ જ ન કરો.
મહાપુરુષો આથી આપણને સમજણ આપે છે કે જીવનમાં જરૂરિયાત ઓછામાં ઓછી રાખો, તો આવી સ્થિતિ નહિ આવે. જરૂરિયાતો જ માણસને મુશ્કેલીમાં મૂકી દે છે ને છેવટે માણસને વસ્તુઓનો ગુલામ બનાવે છે. જરૂરિયાતો ઓછી, તો દુ:ખ પણ ઓછું આપશે. સ્વતંત્ર માનવી તરીકે જીવો. કોઈ માટે તિરસ્કાર ન રાખો અને કોઈની ગુલામી ન સ્વીકારો. તો તમે મૃત્યુની શચ્યા ઉપર પણ પૂરી શાન્તિ અનુભવી શકશો.
શિયાળામાં ગરમી ગમે છે, પણ ઉનાળાના દિવસોમાં એ જ ગરમી દુખદ લાગે છે. એમ જ, આજની વસ્તુ જે સુખ આપી રહી છે તે કાલે દુઃખદ બનશે. માટે વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડો.
જિંદગીમાં એવી કરણી કરો કે શાન્તિની પળોમાં એ તમને શાંત રાખે, કારણ કે નાની સરખી અશાન્તિ નૌકામાં પડેલા કાણા જેવી છે. એ કાણું નાનું છતાં આખી નૌકાને ડુબાડવા પૂરતું થાય છે.
પરહિત કરો', એમ કહેવું સુલભ છે પણ એ પ્રમાણે કરવામાં ત્યાગની આવશ્યકતા રહે છે. એ ત્યાગ કરી, કાર્યરત બનો તો તમે અમર થઈ જાઓ છો.
ત્યાગની વાંસળી વાગે છે અને સત્યવ્રત પિતાની અભિલાષા પૂર્ણ કરવા મહાત્યાગ કરી ચાલી નીકળે છે. જે લોકો ઈંટ કે ખાતર બનીને પાયામાં પુરાય છે, તે જ દુનિયાનાં ફળના પોષક બની શકે છે. માટે ઉપકાર કરો પણ તે લોકો ખાતર નહિ, તમારા આત્માના આનંદ ખાતર.
મુક્તિ તો ભક્તિની દાસી છે. ભક્તિ કેળવો તો મુક્તિ પાછળ દોડતી આવશે. વ્યક્તિ કરતાં સમષ્ટિના હિત માટે જીવવું એમાં જ જીવનની કૃતજ્ઞતા, સાર્થકતા રહેલી છે. તા. ૪-૯-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં ૪ ૧૯૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org