________________
આજે મનુષ્યને પરમ તત્ત્વ પ્રાપ્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આવો સુઅવસર બીજે ક્યાંય નથી. પશુગતિમાં અજ્ઞાનતા છે, નર્કગતિમાં જીવોને દુ:ખ સહેવાનું છે, દેવગતિમાં વૈભવ-વિલાસ છે, જ્યારે મનુષ્યગતિમાં જ સાચી સમજણ દ્વારા વિકાસ કરવાનો છે.
આ ચાર ગતિમાં મનુષ્યને વિચાર કરવાની તક છે. એણે પરબ્રહ્મની ચિંતા કરવાની છે, એને બદલે મનુષ્ય આજે પરમનિમ્નની જ ચિંતા કરવામાં પડી ગયો છે. જે લિફટ ઊંચે મહેલમાં લઈ જાય છે, તેના દ્વારા એ નીચે ખાડામાં જવા પ્રયત્ન કરે છે,
જે પરબ્રહ્મ છે તે આખા વિશ્વના અણુએ અણુમાં છે. આત્મા ગયો. એટલે શરીર મડદું છે. માટે જ શરીરમાં જે ચૈતન્યનું તત્ત્વ છુપાયેલું છે, તેની ચિંતા કરો.
આજનો મનુષ્ય ચાર વસ્તુની ચિંતા કરે છે : (૧) પૈસો, (૨) પ્યાર, (૩) પુત્ર-પુત્રીઓ અને (૪) પ્રસિદ્ધિ – આ ચારમાં જ તેનું મન રોકાયેલું છે. બીજું કોઈ ઉદાત્ત તત્ત્વ એની પાસે ન હોવાથી એ વધુ દુઃખી થાય છે; ચિંતાના બોજથી એ વધુ ને વધુ દબાતો જાય છે.
ભગવાન પાસે, ગુરુ પાસે, જ્યાં એ જશે ત્યાં એ એની જ ચિંતા કરશે. આ મનની ટાંકીમાં જ્યાં સુધી સારા વિચારો નહીં પહોંચે, ત્યાં સુધી આવી ખોટી ચિંતા કરવાનુંય નહીં મટે.
સાતમા નર્ક અહીંથી સીધી રીતે જનારા જો કોઈ જીવ હોય, તો તે એક મનુષ્ય અને બીજો તંદુલિકમચ્છ. અર્થાત્ મનુષ્ય જેમ ઊર્ધ્વગતિ પામવા ભાગ્યશાળી છે, તેમ અધોગતિ પામવા પણ કમનસીબ છે. જેવી મતિ તેવી ગતિ.
જ્ઞાની પુરુષો કહે છે કે તમે તમારી જાતને એકાંતમાં બેસી ત્રણ પ્રશ્ન પૂછો. હું કોણ ? હું ક્યાંથી આવ્યો ? હું અહીંથી ક્યાં જવાનો ? આ ત્રણ પ્રશ્નોના વિચાર-મંથનથી તમને નવું જ માખણ મળશે. મનમાં ચિત્તનનો રવૈયો ચાલશે તો જીવનનું નવનીત મળ્યું સમજો.
આજે કોઈ પોતાને પૂછતું નથી કે હું શું કરવા આ પ્રવૃત્તિ કરું છું ? શા માટે પ્રભુની પૂજા કરું છું ? હું શા માટે પ્રેમ કરું છું ? કોને પ્રેમ કરું છું ? શા માટે અતિથિ જમાડું છું ?
વસ્તુપાલને સાધર્મિકો માટે કેટલો ભાવ હતો ! માટે જ તેને ત્યાં અનેક પવિત્ર આત્માઓ આવતા. જેની પાસે પવિત્ર ભાવના છે, ઉચ્ચ વિચારણા છે, જેના રોમેરોમમાં ઉલ્લાસ છે, તેની ક્રિયાઓ અને કાર્યો જીવંત અને ફળવંત બને છે.
૨૩૨ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org