________________
પૂજા, સામાયિક વગેરે બધાનાં સાચાં મૂલ્ય સમજો. એનો અર્થ સમજો, ભાવ સમજો, પછી એ બોલશો તો ઝોકાં નહિ આવે. ભગવાનની વાતો આવી રીતે વિચારશો તો ખૂબ સરળ ને સાદી છે. આગમ અત્યંત સરળ છે, સુંદર છે પણ આપણે એને સમજવા સમય જ કાઢતા નથી.
જીવનનું પરમ સત્ય દરેકને મળી શકે એમ છે કારણ કે એ સરળ છે. માટે કહ્યું છે કે “જે મને સમજાય છે, તેનો હું સ્વીકાર કરું છું.” જેણે વિશેષજ્ઞ બનવું છે, એણે વસ્તુનો ગુણ-ધર્મ જાણવો જોઈએ. આ કાર્ય પક્ષપાતની ભાવના વિના થવું જોઈએ. અપક્ષપાતભાવે જો તમે ગુણદોષનો વિચાર કરો તો ધર્મને માટેની લાયકાત આવે. માણસ વિશેષજ્ઞ હોય તો આ આવે. જ્યાં સુધી એ નહિ આવે, ત્યાં સુધી ધર્મની યોગ્યતા નહિ આવે. આ યોગ્યતા એટલે પાત્રતા. આ યોગ્યતા ન હોય તો પાત્રમાં મળેલી વસ્તુ ટકી શકે નહિ. એટલે જ્યારે વિશેષજ્ઞતા આવે છે ત્યારે માણસના મતાગ્રહ, દુરાગ્રહ, પક્ષપાત રહેતા નથી.
આજે તો એક ગામમાં, એક જ ધર્મના બે ગચ્છના લોકો હોય તેની વચ્ચે પણ મતભેદ ને મનભેદ ચાલે છે, અંધતાની પરંપરા ચાલી રહી છે. મારો ગચ્છ, મારો માર્ગ, મારો પંથ ચલાવવાનો મોહ જાગ્યો છે. ત્યાં એ લોકો સમાજને શું આપી શકશે ?
માટે વિશેષજ્ઞ બની આત્માને રૂચે, ઉન્નત બનાવે, જે ગુણથી ભરેલ હોય એનો સ્વીકાર કરો. ગુણનો સ્વીકાર કરશો એટલે જીવનમાં ઉલ્લાસ અને પ્રકાશ આવશે. ધર્મના મહાશિખરે પહોંચવા માટે, વિશેષજ્ઞતા એક પગથિયું છે. એ જીવનમાં આવશે એટલે દૃષ્ટિની વિશાળતા આપોઆપ આવશે.
ઈંડાની અંદરનું પંખી દુનિયાને ઈંડા જેવડી જાણે છે. પછી બહાર નીકળે છે ત્યારે એને દુનિયા માળા જેવડી લાગે છે. છેવટે પાંખો ને આંખો મળતાં અનંત આકાશમાં ઊડે છે અને અપાર સાગરને જુએ છે ત્યારે તેને લાગે છે કે દુનિયા તો વિશાળ છે. એની ઉપરનું કોચલું તૂટે છે ત્યારે એની દૃષ્ટિ વિશાળ બને છે. આપણા મગજ, બુદ્ધિ અને આંખની આસપાસ આવાં કોચલાં જામ્યાં છે. એ તૂટે છે ત્યારે જ જગતના પદાર્થોની અનંતતા સમજાય છે. તા. ૧૩-૮-૧૯૬૦
૧૭૦ શર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org