________________
વયોવૃદ્ધ એટલે જીવનફળની પરિપક્વતાથી મધુર થયા હોય તે આવા લોકોના નેતૃત્વથી સમાજ સુખી થાય છે.
વૃદ્ધની વ્યાખ્યામાં કહેલું છે કે ધોળા વાળવાળો તે જ વૃદ્ધ નહિ, પણ જે તપોવૃદ્ધ અને શ્રુતવૃદ્ધ હોય, જેણે ખૂબ સાંભળ્યું હોય તે બહુશ્રુત. wellread—પુસ્તકપંડિત અને બહુશ્રુતમાં ફેર છે. એ બેઉ એકબીજાના પર્યાયવાચક શબ્દો નથી. પુસ્તકપંડિતે ઘણું વાંચેલું હોય છે. બહુશ્રુત એટલે જેણે ઘણું સાંભળ્યું છે તે. વાંચવા અને સાંભળવામાં ભાવનાનો ફેર છે. વાંચનારો ખુરશીમાં બેઠો બેઠો ઘણું વાંચી નાખે છે, પણ બહુશ્રુતને તો શ્રવણ કરવા ત્યાગ કરવો પડે છે; શિષ્યભાવે ઉપાસના કરવી પડે છે. પોથીપંડિતો જગતમાં ઘણા મળે છે, પણ એમની પાસે માત્ર સ્મૃતિનો સંચય હોય છે; શ્રવણ-સાધનાની મૂડી નહિ.
શ્રુત તો શ્રવણ દ્વારા આવે છે. આગમો એ શ્રુત છે; એ કાંઈ લખાયેલાં ન હતાં. ભગવાન પાસેથી શ્રી ગૌતમે, શ્રી સુધર્માએ, સુધર્મા પાસેથી જમ્બુએ; એમ એ શ્રુતજ્ઞાન શ્રવણ દ્વારા ઝિલાયું છે. આ શ્રુતજ્ઞાન ઉપાસના, સંયમ, ત્યાગ અને તપ દ્વારા આવે છે. જેનામાં એ જ્ઞાન આવે તેનું જીવન પલટાઈ જાય. શ્રુત સાંભળવાથી જીવનમાં ત્યાગનો સૂર્ય ઉદય પામે છે અને અમાસનો અંધકાર ચાલ્યો જાય છે.
માણસ અહીં સાધુ પાસે સાંભળવા આવે છે. અહીં માણસ માથું નમાવે છે અને તેનો અહંકાર ઓછો થાય છે. આટલા માટે હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે સાધુની સેવાથી ત્રણ ફાયદા થાય છે. સારો ઉપદેશ સાંભળવાનો મળે છે. સંતના હૃદયમાંથી નીતરતી વાતો માણસના મનને અસર કરી જાય છે. સાધુ વસ્તુને વળગેલો નથી, તેથી તે છોડાવી શકે છે. ત્યાગમાંથી જ ત્યાગ જન્મી શકે. આથી એમનો ઉપદેશ મનને પહોંચે છે, અસર કરે છે ને જીવનમાં પલટો આવે છે. બીજું, એવા ધર્માચારી પુરુષોનાં દર્શનનો લાભ. ધર્મની અંદર જ જેમનું જીવન, લેખન, વાચન અને મનન હોય છે, તેમનાં દર્શનથી પણ પ્રેરણા મળે છે.
આજે છાપાંવાળા, અને પૈસા માટે જ કથા વાંચતા લોકો પણ ધર્મની વાતો કરતા થયા છે. પણ એ બધું હજામ ઝવેરાતની વાત કરે, એના જેવું જ લાગે. અનધિકારીની વાતો ન શોભે; એ માટે અધિકાર જોઈએ, યોગ્યતા જોઈએ. ત્રીજો લાભ એ કે સાધુના યોગે વિનયનો લાભ થાય છે. આત્મા જ્યાં નમે, વળે એવું સ્થાન માણસને જગતમાં જોઈએ. માથું જો ગર્વની અંદર અક્કડ રહે તો એ નકામું થાય. માથું તો મંદિરને, ગુરુને, વડીલને નમવું જોઈએ,
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ઃ ૧૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org