________________
પેલો ન્યાયશાસ્ત્રવાળો શેઠને કહે કે શેઠ ! પેલો માણસ વ્યાકરણ ભણેલો છે પણ સાવ ગધેડા જેવો છે; ન્યાયનું તો એને જ્ઞાન જ નથી. આમ કહી એણે એના ન્યાયનું પ્રદર્શન કર્યું, પછી શેઠ ત્યાંથી ઊઠીને વૈયાકરણી પાસે ગયો, તો એ કહે કે શેઠ ! ન્યાયવાળો તો સાવ બળદ છે; એને વ્યાકરણનું જરાય ભાન નથી. ક્યાં ષષ્ઠી અને ક્યાં સપ્તમી વાપરવી એટલુંય જ્ઞાન એને નથી એમ કહીને એણે પોતાની ભાષાનું પ્રદર્શન કર્યું.
શેઠ સમજી ગયા કે આ બેઉ ન્યાય અને વ્યાકરણ ભણ્યા છે પણ અંદરથી બળેલા છે. આ તો બંને સરખા પોથી-પંડિતો છે, પણ એમના જીવનમાં શૂન્યતા છે. એને થયું કે પંડિતો આવા ! સંસ્કારી માણસ આવો હોય ! વિદ્યા, શાસ્ત્ર, ચારિત્ર્ય વગેરે જો જીવનમાં પચે નહિ તો એમના શબ્દો કેવા દુર્ગંધ મારતા નીકળે ! એણે નક્કી કર્યું કે ડાહ્યાનું કામ એ કે ભૂલેલા પંડિતોનેય માર્ગ બતાવવો. મારે આ કામ કરવું પડશે.
શેઠે પછી બેઉને જમવા બેસાડ્યા. પાટલા અને થાળી મૂક્યાં. ચાંદીની થાળી અને ચાંદીના લોટા. એકને ભૂસું પીરસ્યું; બીજાની થાળીમાં ઘાસ પીરસ્યું. પેલા પંડિતોએ તો થાળીમાં આવું જોઈ, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, અને ત્રાડ નાખી : “અમારું આવું ઘોર અપમાન !”
શેઠે કહ્યું કે ગરમ ન થાઓ. જુઓ ! હું તો આપ જેવા પંડિતોનું કહેવું ન પાળું, તે કેમ ચાલે ! આપે કહ્યું હતું તે પ્રમાણે, આપમાંના ગધેડા પાસે મેં ભૂસું મૂક્યું છે, અને બળદ પાસે મેં ઘાસ મૂક્યું છે, અને તે યોગ્ય છે. આ સાંભળી પંડિતો પોતાના શબ્દો યાદ કરીને શરમાઈ ગયા. શેઠે એમને શીખવ્યું કે તમે શાસ્ત્રો ભણ્યા છો, પણ તમારી દૃષ્ટિ ખૂલી નથી; તેથી જ મેં તમને આજે જીવનનું આ જ્ઞાન આપ્યું છે, પણ હવે યાદ રાખજો કે બીજાને ઉતારી પાડનાર પોતે ઊંચો નથી રહી શકતો. અને આ સાંભળી બેઉએ પરસ્પરની માફી માગી. શેઠે એમને આમ સત્કાર્ય અને સન્માનથી સુધાર્યા.
સંસારમાં ને કુટુંબમાં તમે પણ એકબીજાની નિંદા ન કરો. એકબીજાના પૂરક બનો. તો જ સંસાર મીઠો લાગશે. ગુણાનુરાગીનું કામ, ગુણવંતનું માન કરવાનું છે. બાકી તો જગતમાં દોષ કોનામાં નથી હોતા ? પણ વહુ અને સાસુ, દેરાણી અને જેઠાણી સૌમાં ત્રુટી ન જોતાં એના ગુણ જુએ. આજે વિશ્વની મોટામાં મોટી ખામી એ છે કે સૌમાં દોષદૃષ્ટિ વધી રહી છે; ગુણદૃષ્ટિ ઘટી રહી છે. તા. ૪-૮-૧૯૬૦
ધર્મરત્નનાં અજવાળાં - ૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org