________________
નિંદા કરનારાઓએ પોતાને મોઢે કોથળીઓ બાંધવી જોઈએ.
દોષ તો માણસમાં હોય છે પણ બીજાના દોષોની નિંદા કરવી એ પાપ છે. કોઈની નિંદા આપણાથી થાય નહિ. એમાં પણ જેઓ વિશિષ્ટ ગુણોથી સમૃદ્ધ છે તેની તો નિંદા ન જ થાય. માણસમાં દેખાતા મોટા દુર્ગુણ અક્ષમ્ય છે, પણ નાના દુર્ગુણો માટે એના જીવનની પ્રતિકૂળતા, સંજોગો વિચારવા જરૂરી છે. એ વિચાર વગરની આપણી ટીકાથી આપણે સામાને માત્ર અન્યાય જ કરીએ છીએ.
અમુક માણસમાં કોઈ ભૂલ હોય એ સ્વાભાવિક છે; તો એને સુધારવાની જરૂર છે; અને ઉતારી પાડવો એ ખોટું છે. કોઈને ધર્મની ક્રિયા બરાબર ન આવડતી હોય તો જેને આવડે છે તેણે, એની ટીકા ન કરવી જોઈએ. જો એવાનું એ ટીખળ કરે તો એ એક જાતનું ભયંકર પાપ છે. જેને નથી આવડતું તેને સમજણ આપી સુધારવો, એ તમારું કામ છે; એનો ઉપહાસ કરવો એ યોગ્ય નથી.
આની સાથે બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે જે માણસને ઘણા લોકો નિંદતા હોય તેવાની સોબત ન રાખતા, નહિતર તમે પણ એની સાથે નિંદાને પાત્ર બનશો. દુનિયામાં લોકપ્રિય થનારે આવો ત્યાગ કરવાની જરૂર રહે છે.
દુનિયામાં સૌને લોકપ્રિય થવું તો ગમે છે પણ આ લોકપ્રિયતા એટલા માટે પ્રાપ્ત કરવાની છે કે જેથી માનવીના વચનની કિંમત થાય, એ બીજાને સહાયક બને. જે લોકો દેશ, સમાજ અને ધર્મના નેતા હોય છે તેમણે લોકપ્રિયતા મેળવવી અત્યંત જરૂરી છે. તમારા સારા આચરણથી સારા માણસમાં પરિવર્તન જાગે છે. જો સમાજ તમને ઉત્સુકતાથી સાંભળવા તૈયાર થાય તો સમજજો કે તમે લોકપ્રિય નેતા છો. પણ લોકો તમને ન સાંભળે તો તમે લોકપ્રિયતા ગુમાવી છે. અને તે કેમ ગુમાવી તેનાં કારણો જો શોધી કાઢશો તો જ ગયેલું સ્થાન તમે પાછું મેળવી શકશો.
લોકપ્રિયતા એમ ને એમ નથી આવી જતી. એને માટે મનુષ્ય પ્રથમ લાયકાત કેળવવાની છે. જેનામાં લાયકાત છે તે સર્વત્ર લોકપ્રિય થઈ શકશે. માણસ જો સમાજમાંથી ફેંકાઈ જાય તો એણે એનું કારણ શોધી કાઢવું જોઈએ. લોકો જો તમારા પગલે ચાલવા તૈયાર નહિ હોય તો તમારી બધી વાતો તમારી પાસે જ રહેવાની.
ત્યાગ અને બલિદાનને લીધે જ વ્યક્તિ અને સંસ્થા લોકપ્રિય બની શકે છે. વ્યક્તિઓને લીધે જ સંસ્થાઓ જીવતી બને છે. ધર્મ સજ્જનોથી ચાલે છે. માટે ધર્મના ક્ષેત્રમાં કામ કરતા પુરુષોના જીવનમાં લોકપ્રિયતા અનિવાર્ય ગુણ ગણાય છે. ત્યાગ અને સૌજન્યને લીધે જ આવી વ્યક્તિ આદરણીય બને છે.
૪૮ ક ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org