________________
સુધાની સૌમ્યતાથી જેમ ચંદ્ર શોભે છે, માધુર્યથી જેમ અમૃત શોભે છે એમ વિનયથી, નમ્રતાથી માનવીનું જીવન શોભી ઊઠે છે.
આ વિનયથી આપણે બીજાનાં હૈયાંને જીતી શકીએ છીએ, પૈસાથી નહિ. સાચી સભ્યતા આ વિનયમાંથી આવી શકે છે.
લોકપ્રિયતાનો ત્રીજો સદ્ગુણ તે શીયળની સુરભિ. તમે દરેક જણ બ્રહ્મચારી થઈ જાઓ એમ અમે ઇચ્છીએ, પણ તમે તેમ ન કરી શકો તોય સંયમી તો જરૂર બનો. એક જ્ઞાનીને એકવાર પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જીવનમાં ઓછામાં ઓછું શું જોઈએ ? એમણે જવાબ આપ્યો કે અ-પરિગ્રહ અને શીયળ. આવી વ્યક્તિ જ સમાજમાં, ધર્મમાં આગળ વધે છે. આવા સંયમથી એનામાં નૈતિક હિંમત આવે છે.
આજે લોકોના જીવનમાં આ શીયળની ભાવના જણાતી નથી. સમાજ કેટલો નીચે જઈ રહ્યો છે એ જોવું હોય તો નટ-નટીનાં ચિત્રોવાળાં માસિકોની આજે વેચાતી નકલોની સંખ્યા તપાસો.
આવા સમાજને બદલવા માટે આપણે આજનું આખું વાતાવરણ બદલવું પડશે. આની શરૂઆત માટે ધરમૂળથી સંયમ આવવો જોઈએ. વાતાવરણના અણુઅણુને શીયળની સૌરભ અડશે તો જ આ દુર્ગંધ દૂર થશે.
આપણે જે લોકપ્રિયતાની ચર્ચા કરી રહ્યા છીએ એના સદ્ગુણોના જીવનથી આપણે જીવવું જોઈએ કે જેથી દુનિયા આપણને મર્યા પછી પણ યાદ કરે; નહિ તો આ જન્મનો અર્થ શો ? મહાપુરુષો કહે છે કે સળગતા આ સંસારમાં સદ્ગુણની શીતળતા સિવાય બીજું બધું જ વ્યર્થ છે.
માણસ ઉદાર હોય, નમ્ર હોય પણ શીયળવાન ન હોય તો એની બધી જ છાપ ઊડી જાય. અને તેથી જ લોકપ્રિય માણસ, એવો શીયળવાન હોય કે સ્ત્રીમાત્ર એનાથી અભય હોય અને સમાજમાં એની એવી ઉજ્જ્વળ પ્રતિષ્ઠા હોય કે એને માટે કોઈ પણ શંકા ન સેવે; લોકો એના સંયમ અને શીયળ માટે પૂરેપૂરો વિશ્વાસ ધરાવતા હોય.
આમ દાન, વિનય અને શીયળ સદ્ગુણોની આ ત્રિવેણીનો જ્યાં સંગમ થાય તે લોકપ્રિય નામનું તીર્થ બની જાય છે.
તા. ૧૬-૭-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org