________________
ત્યારે ધર્મને માટે સાચો ઉચિત કોણ ? જે અશઠ છે, જે માયા વગરનો છે, જે હૃદયનો સરળ છે તે જ લોકોમાં વિશ્વસનીય અને પ્રશંસનીય બને છે. આમ અશઠ માણસ ઉચિત, વિશ્વસનીય અને પ્રશંસનીય હોય છે અને તેથી એની પ્રશંસા દીર્ઘકાળ ટકી રહે છે. ઉચિતતા વગરની પ્રશંસા લાંબી ટકતી નથી. આ એનો ભેદ છે. માણસ જેમ ઉચિત, વિશ્વસનીય અને પ્રશંસનીય હોય છે તેમ તે ભાવસાર હોય છે.
ધર્મીનું જીવન ભાવથી તરબોળ જોઈએ. માયા વગરનામાં જ આવો ભાવ ટકે. આ સરળ ભાવના લાવવા માટે અંદરની કુટિલતા જવી જોઈએ, નહિતર ફૂલના જેવા સુંદર વિચારો એમાં રહે ક્યાંથી ? જ્યાં સુંદર જમીન હોય, એને બરોબર પાણી મળે તો ત્યાં છોડ વિકસે અને પુષ્પ ખીલે. એ જ પ્રમાણે જ્યાં હૃદયની સરળતાનું ખાતર છે, ભાવ છે ત્યાં જ ધર્મની આવી ભાવના રહેવાની; છળકપટ હશે ત્યાં એ બળી જવાની.
જગતમાં પૈસા, પ્રતિષ્ઠા, કીર્તિ, માન અને સ્થાનવાળા ઘણા મળશે, પણ જે માણસ મનને સદા પ્રસન્ન રાખી શકે તે સાચો ધર્મી છે. એવા લોકો ઓછા મળશે. બાકી તો કૃત્રિમ આડંબરવાળો, કામનાથી તરબોળ કામી પણ એમ બોલે છે. “સંસાર અસાર છે.” માટે કહ્યું છે કે એ લોકો તો
"वैराग्यरंग: परवंचनाय धर्मोपदेशो जनरंजनाय । वादाय विद्याऽध्ययनं च मेऽभूत कियब्रुवे हास्यकरं स्वमीश ॥"
લોકોને રંજન કરવામાં એ સહાયક બને છે. એમને માટે કૃત્રિમતા, આડંબર અને પારકાની સહાય; આ ત્રણથી પ્રસિદ્ધિ સહેલી બને છે.
આવા માણસોનાં નાનાં કામ પૈસાને લીધે મોટાં થઈ જાય છે. એવા લોકો બહારથી ત્યાગી લાગે છે, મોં ઉપર ખોટા ભાવ બતાવે છે. એ બધી એમની બાહ્ય ચેષ્ટા હોય છે. એનાથી લોકોના મનનું રંજન થાય, પણ એનો આત્મા તો અંદરથી કુટિલ અને મલિન થતો જાય છે.
આવા લોકો આડંબર રાખે છે; ટોળાબંધ શિષ્યો, ભક્તો રાખે છે, જે એમની પ્રશંસા કરે છે અને પૈસા ખર્ચીને પણ છાપામાં પોતાનો પ્રચાર કરે છે. કૃત્રિમતા, આડંબર અને પૈસા ખરચીને જાહેરાત - આ એમનાં પ્રચારલક્ષણો હોય છે.
જગતમાં આવાની વાહ, વાહ થઈ જાય છે. લોકોનું મન એ રંજન કરે છે, પણ એનું મૂલ્યાંકન કરવાની શક્તિ આત્મામાં હોય છે. આત્મા આવા આડંબરથી નહિ, પણ સાચી કરણીથી જ ખુશ થાય છે.
૮૮ 5 ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org