________________
મુરબ્બામાં વાંદો હતો તે તમે ન ખાઓ એમ મારે કહેવું હતું, પણ હવે તો વાંદો તમારા પેટમાં ચાલ્યો ગયો છે એટલે એની વાત શી કરવી ! દાદા પસ્તાયા. એને ભૂલ સમજાઈ.
જીવનનાં બધાં કાર્યો પાછળ ઉપયોગની દૃષ્ટિ જરૂરી છે. જેની પાસે ઉપયોગની દૃષ્ટિ નથી, એ કદી દયાળુ બની શકે નહિ. આપણી વાચા, આપણી પ્રવૃત્તિ, દરેક બાબતમાં જયણા રાખીએ તો ફાયદો થાય. ઉપયોગની શુન્યતા માણસને હેરાન કરે છે. જે માણસ ઉપયોગ રાખીને જીવે છે તેને પશ્ચાત્તાપના પ્રસંગો બહુ ઓછા આવે છે. દયાનો ગુણ જીવનમાં આ રીતે અત્યંત ઉપયોગી છે.
એક શેઠ હતા. એને પુત્રની ખૂબ ઝંખના. કોઈએ કહ્યું કે તમે દેવીને બોકડો ચડાવો તો તમારે ત્યાં પુત્રનો જન્મ થશે. શેઠ કહે કે મારાથી કાંઈ એવું કામ થાય ! એક જણે ઉપાય બતાવ્યો કે તમે એવું કામ જાતે ન કરતા. મને રૂ. ૫૦૦ આપો. અને હું એ કામ કરીશ. સંસારની આસક્તિ કેવી છે ? શેઠે એમ કર્યું અને દૈવયોગે શેઠને ત્યાં બાળક જન્મ્યો.
પુત્ર એક વરસનો થયો ત્યાં શેઠ ગુજરી ગયા. મરીને એ બોકડો થયા. આ છોકરાએ દર વર્ષે ચાલ્યા આવતા ક્રમ પ્રમાણે દેવીને બોકડો ચઢાવવાનું ઠરાવ્યું. ગામમાંથી બોકડો મંગાવ્યો. બોકડો જ્યાં દુકાન પાસે આવ્યો ત્યાં તો એને જાતિસ્મરણ થયું. “આ મારી દુકાન; આ મારો દીકરો !” બોકડો ત્યાં થંભી ગયો. એ ચાલતો નથી એટલે છોકારાએ કહ્યું કે એને મારીને લઈ જાઓ.
આટલી વારમાં એક સાધુ ત્યાં આવી ચડ્યા. એમના ચિત્તમાં કરુણા ઊભરાતી હતી. દીકરાના સાંભળતાં પેલા બોકડાને સાધુએ કહ્યું કે “દીકરા માટે તે બોકડો મરાવ્યો, તો આજે તારે બોકડો થઈ ખેંચાવું પડ્યું છે. આસક્તિ વખતે ઉપયોગ ન રાખ્યો, તો હવે શા માટે ખેંચતાણ કરે છે ?” પછી તો ગુરુએ એને ઉગાર્યો. પણ એક નાની મમતા ખાતર જીવને કેટલું ભોગવવું પડે છે એ આમાંથી તારવવાનું છે.
માટે કહેવામાં આવ્યું છે કે આત્માની અધોગતિ કરી કોઈ કાર્ય કરશો નહિ. જેના હૃદયમાં દયાનું ઝરણું વહેતું હોય તેનાથી જેમાં હિંસાને ઉત્તેજન મળે એવું કામ થાય જ કેમ ?
ધર્મી માણસ સાચો દયાળુ હોવો જોઈએ ને એણે મનસા, વાચા, કર્મણા અહિંસક ભાવનાથી જીવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
તા. ૨૮-૭-૧૯૬૦
૧૧૬ - ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org