________________
દાન તો સુંદરનું જ હોય, અને એ પણ પ્રેમથી અપાયેલું હોય. દાન એ તો આપણા દિલનું, ભાવનું એક પ્રતીક છે. એનાથી માણસની ચેતનાનો વિકાસ થાય છે. આવો ભાવ ન હોય તો એ દાન માત્ર લેવડ-દેવડ બને છે. પૈસા આપી જેમ વસ્તુ ખરીદીએ, એમ દાન આપી પ્રતિષ્ઠા, કર્તિ પામવા કાર્ય કરીએ, એ કાંઈ ખરું દાન નથી. દાન એ કાંઈ વ્યાપાર નથી. એવા વ્યાપાર માટે તો જીવનમાં બીજાં ઘણાં ક્ષેત્રો છે.
સાચું દાન તો માણસના સંકુચિત મનને વિકસિત કરનાર એક સુંદર સાધન છે. દાનનો મહિમા તે ચેતનાના વિકાસને કારણે છે. અંદરના સંગ્રહભાવને, સંકુચિતતાને બહાર કાઢવા માટે દાન છે. વસ્તુના પ્રતીક દ્વારા દાન આપવામાં નવી ચેતના પ્રગટ થાય છે. માટે દાનમાં આપણે આવી ભાવના કેળવવી જોઈએ. આવું દાન આપનારા થોડા હશે તો પણ, દાનનો એક સુંદર પ્રવાહ શરૂ થશે. બાકી તો માનવી લાભ, કીર્તિ, ખ્યાતિ કે પ્રશંસા માટે જે દાન કરે છે એ દાન માત્ર શબ્દરૂપે રહે છે, એનો ભાવ ઊડી જાય છે.
આવા આદર્શ દાનને સમજવા સુરતના હમણાં તાજા બનેલા બે બનાવો ધ્યાનમાં લેવા જેવા છે. સુરતમાં એક આગમ-મંદિર બંધાવવાની વિચારણા ચાલી. પૂજ્ય સાગરજી મહારાજ કહે કે ઘેર ઘેર માગવા જવું નથી; જેનો ભાવ હોય તે લાભ લઈ જાય. સંઘે એક સ્થળે પેટી મૂકી. અને તમને આશ્ચર્ય થશે કે એક લાખ ને દસ હજાર રૂપિયાની રકમ માત્ર ચોવીસ કલાકમાં ભેગી થઈ ગઈ. કોણે શું આપ્યું છે એય કોઈએ જાણ્યું નહિ. આનું નામ દાન.
બીજો પ્રસંગ હમણાં થોડા વખત પહેલાં આવેલ રેલસંકટ ને અતિવૃષ્ટિના સમયનો છે. ગામના લોકો એક જણને ત્યાં ગયા અને પેલાને રૂ. ૫૧/- આપવા વિનવ્યો. પેલાએ તો કહ્યું કે મારે તો એકવીસ જ ભરવા છે. સાંજે સૌ ભેગા થયા ત્યારે વાતો ચાલી. “એ માણસ કેવો કંજૂસ કે રૂ. એકાવન પણ ન આપ્યા !” એની ટીકા, નિંદા ચાલી. ત્યાં એક વૃદ્ધ જણાવ્યું કે ભાઈઓ ! માણસને પૂરેપૂરો સમજ્યા વિના ટીકા ન કરો. એને દાન આપીને નામ નહોતું જોઈતું; બાકી તો સવારે છાપામાં જેની વાત આવી છે તે અનામી રહીને રૂ. એકત્રીસ હજાર દેનાર તે આ ભાઈ પોતે જ. આમ સાચું દાન દેનારા એના અંતરના આનંદ માટે આપે છે; એને નામની ઝંખના નથી હોતી.
આપણા શરીરને મળેલાં નામો – પછી એ કોઈએ પાડેલ હોય કે માબાપે – પણ એ ભાડૂતી છે અને એવાં નામો પાછળ, આપણે આખી જિંદગી ખરચીએ. પણ અંદર બેઠેલો તો અનામી છે; એનું દર્શન, એની પ્રતીતિ એ ધર્મનો હેતુ છે.
૧૦૦ - ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org