________________
કેટલાક સેવકો ફરિયાદ કરે છે કે સમાજ બેદરકાર છે : વાત ખોટી છે. ખરી રીતે તો આવા માણસો પાસે લોકપ્રિયતાની કે બીજી રીતે કોઈ કદર કરે એવી કશી મૂડી જ હોતી નથી, અને સેવા કરવા નીકળી પડે છે. હા, સમાજમાં માણસ સેવાર્થે જાય તો તેની પરીક્ષા થવાની; અગ્નિમાં એની ચકાસણી થવાની; પણ સાથે સાથે ત્યારે જ એનું સુવર્ણ પણ પરખાઈ આવશે. આડંબરથી, ખુશામતથી કાંઈ લોકપ્રિયતા આવી શકતી નથી; એ તો જીવનના સદ્ગુણોમાંથી જન્મવી જોઈએ, આચારમાંથી પ્રગટવી જોઈએ.
આવો લોકપ્રિય માણસ વિચારોમાં પણ ઉદારતાભર્યો હોવો જોઈએ. આ માટે બીજાને પ્રથમ સાંભળો; એના વિચારોને પચાવો. આજે જગતમાં વધુમાં વધુ દૂષણ, વિચારોની અનુદારતાનું છે, મનની સંકુચિતતાનું છે. લોક માત્ર આજે પૂર્વગ્રંથિથી ભરેલા દેખાય છે. આથી જ આજે દેશમાં આટલા વાડા, વાદ, ઝઘડા, મારામારી અને ભાગલાઓ થઈ રહ્યા છે. એક બાજુ જો કે ભણતર વધ્યું છે અને છતાં એને પરિણામે પ્રાંતો, ભાષા, વ્યક્તિ અને તેના વર્તુળો રચાયાં છે. આનું કારણ વિચારોની અનુદારતા.
આપણા વિચારો વિશાળ હોવા જોઈએ, સુંદર હોવા જોઈએ. ગમે ત્યાંથી પણ સારું લેવું જોઈએ. આમ કરતાં અનુદારતાની ગ્રંથિઓ તૂટશે અને વિશાળતા આવશે. આથી જ છેવટે જીવનમાં સંવાદ પ્રગટશે. આવો માણસ બંને રીતે લાભ મેળવે છે : એક તો એ પોતાને માટે સારું મેળવે છે અને ખરાબને એ છોડે છે.
એટલે લોકપ્રિય ધર્મ માટેનો પ્રથમ સગુણ તે એણે સ્યાદ્વાદ કેળવવો. દરેકને સાંભળો, સમજો અને સૌ સંગે એકતા, સમભાવ કેળવો. ગણધરોને ભગવાન મહાવીરે સાંભળ્યા, એમના પ્રશ્નો અને આશંકાઓના જવાબ આપ્યા, એમના મનનું સમાધાન કર્યું તો એ બધા પછી એમના શિષ્યો બન્યા.
સમાજની અંદર કાર્ય કરનારે જીવનના પ્રવાહને સમજી, ઝીલી, એની સાથે જીવવાનું હોય છે. એમાં એણે કાંઈ જૂના સત્યને છોડવાનું નથી પણ સમય-સંજોગનો પ્રવાહ જાણી, એને અનુરૂપ આચરણને આકાર આપવાનો છે.
આમ વિચારોની ઉદારતા એટલે સ્યાદ્વાદ. એને તમે ઇચ્છો તો સાપેક્ષતાદ કે Theory of Relativity કહી શકો.
આગળ આપણે દાનનો -- ઉદારતાનો ગુણ જોયો. બીજો ગુણ છે તે વિનય. મોર એનાં પીંછાંથી રળિયામણો લાગે છે. એ બીજી રીતે ગમે તેવો સારો હોય છતાં, પીંછાં વગર બાંડો લાગે છે. એમ સમાજમાં કામ કરનારની પાસે જ્ઞાન, સત્તા અને સ્થળ કદાચ હોય છતાં વિનય વગર એ સૌ અધૂરાં રહેવાનાં છે.
ધર્મરત્નનાં અજવાળાં ૬૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org