________________
આવેશ અને આવેગ હોય ત્યારે સાધુ અને સામાન્ય માનવી એક સમાન ભૂમિકા પર આવી જાય છે. માનનો ખોટો આવેશ માણસમાં ગર્વ લાવે છે. એ આવેશ ચાલ્યો જાય પછી જ અંતરમાં નિર્મળતા અને સમજણ આવે છે. અને પછી તમારા વિચારને ઊંડે પ્રેરણા આપે એવી પળો તમારા જીવનમાં શરૂ થાય છે.
જે માણસ આ બધાનો જાણકાર છે તેનો કોઈક વાર પણ ઉદ્ધાર શક્ય છે. તમે સાંભળેલું, વિચારેલું હશે તો ક્યારેક તમારામાં એ જાગશે અને તમારા આત્માનેય જગાડશે. સત્સંગથી માણસમાં આ પળો આવે છે. આવા સ્થાનમાં શ્રવણ કરેલું ક્યારેય નકામું નથી જતું. જ્ઞાનીનાં વચનોના શ્રવણ સાથે જ ક્યારેક માણસના આત્માનાં દ્વાર ઊઘડી જાય છે. આ માટે સહશ્રવણ એ આપણા જીવનના ઉત્થાનની એક આવશ્યક ભૂમિકા છે. જીવનમાં એ ખૂબ જ સહાયક બને છે. ગરમ તવા ઉપર પડેલું પહેલું ટીપું તો બળી જાય છે, પણ એક પછી એક સો ટીપાં બળી ગયા બાદ એકસો એકમું ટીપું જ તવા ઉપર દેખાય છે, પણ પેલાં સો ટીપાં નિષ્ફળ ગયાં નથી. આની પાછળ સો ટીપાંઓનો ત્યાગ રહેલો છે એ આપણે ભૂલવું ન જોઈએ. શ્રવણ અને મનનનું પણ જીવનમાં આ સ્થાન છે.
ધર્મનું આ જીવન એટલે આંતરિક સૂક્ષ્મ પરિવર્તન. ખરી રીતે તો તમારો વિચાર એ જ તમારું કાર્ય છે. કામ કરવાનું શરૂ કરો ત્યારથી “કામ કર્યું” ગણાય, પણ આ માટે માણસનો આંતર આશય કેવો છે એ જાણવું બહુ જરૂરી વસ્તુ છે. એટલે તમે સૌએ પણ તમારા જીવનમાં પરિવર્તન લાવવાનો, પ્રકાશપંથ શોધવાનો પ્રારંભ કર્યો છે; એને સદા યાદ રાખો.
જેનામાં આ ધર્મભાવના પડી છે, સુંદર વિચારો પડ્યા છે અને ક્ષમા તથા સહનશીલતાની ભાવનાઓ છે તેને જીવનમાં કદી અસફળતા નહિ રહે. અહીંના વ્યાખ્યાનનું શ્રવણ કરવા આવનાર માણસે પ્રકાશ તરફ જવાનો પ્રયાસ આદરી દીધો છે. ગુણના આવા વિચારો મગજમાં રમતા હોય ત્યારે જ ધર્મજીવનના વિચારો આવી શકે છે. આ ભાવના જ આપણને ખરાબ કામ તરફ જતાં બચાવી લે છે.
તા. ૧૧-૭-૧૯૬૦
૪૬ ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org