________________
આજે આપણે જનગણ-જનસમુદાયની વાતો કરીએ છીએ, પણ એમાં સર્વજનોનો સાથ છે ખરો ? સંધમાં સર્વાનુમતિનું બંધારણ જરૂરી છે, બહુમતીનું જ માત્ર નહિ. જિંદગીમાં વિજય માટે આપણે લોકપ્રિયતાનું સૂત્ર ભૂલવાનું નથી. આપણે તો દરેકને આપણે પક્ષે લેવાનો છે. સંસારમાં માણસ એકલો નથી રહી શકતો. માનવીને માત્ર માનવીની જ નહિ પણ પશુનીયે જરૂર પડે છે. માટે અજ્ઞાની ને ગર્વમાં આંધળો બનેલો માનવી જ એવું બોલે કે મારે કોઈની ગરજ નથી.' આ ગર્વને સારા મનુષ્યે હટાવી દેવાનો છે. આ ‘ધર્મરત્ન પ્રકરણ' ગ્રંથમાં આ માટેની જીવંત પ્રેરણા પડેલી છે; જીવનના અનેક કોયડા એનાથી ઊકલી શકે એવી શક્યતા છે.
આજે આપણા જીવનમાં અનેક અંતરાયો પડ્યા છે ને તે આપણી આંતરિક પ્રગતિને રોકી રહ્યા છે. આપણે તેને દૂર કરવાના છે. પુણ્ય, તકદીર, કર્મ એ બધું શું છે ? કર્મ કાંઈ કોઈના વારસામાં મળતું નથી. ગઈ કાલે આપણે જે કર્યું એનું પરિણામ તે આજ. આજે કરી રહ્યા છીએ તે આવતી કાલ બની રહેલ છે. તમારું તકદીર એ તમારાં જ ભૂતકર્મોનું ફળ માત્ર છે. યાદ રાખજો કે તમારું જ કર્મ તમારી સામે આવે છે.
કોઈ માણસને લોકપ્રિયતા મળે તો તેની નિંદા ન કરો. એમાંય, વિશિષ્ટતાવાળા માણસની નિંદા તો કદી ન કરો. ઈર્ષા અને અદેખાઈથી મોટાની નિંદા કરે તો એ પોતાની જ જાતને હલકો પાડે છે; એનાથી એનું પુણ્ય બળી જાય છે.
કોઈ માણસની ક્રિયામાં અણઆવડત જણાય તો એની ટીકા કરવા કરતાં એને પ્રેમથી સુધારો સૂચવવો. કારણ આજે જે આડાઅવળા લીટા કરી રહ્યો છે, તે આવતી કાલે એકડો ઘૂંટતો થઈ જશે; પણ જે માણસ લીટા જ નથી કરતો, શરૂઆત જ નથી કરતો તેને સુધરવાનો, શીખવાનો અવકાશ ચાંથી મળવાનો છે ?
આપણે જાણીએ છીએ કે જગતમાં કોઈ માણસને અપમાન સહન કરવું ગમતું નથી, કારણ કે દરેક માણસમાં અહમ્નું તત્ત્વ પડેલું છે. આથી અપમાન સર્વને અસહ્ય લાગે છે; સ્વમાન સૌને પ્રિય લાગે છે. માટે નાના માણસનું પણ અપમાન કે નિંદા ન થાય, તો માટા માણસની નિંદા કેમ જ કરાય ?
તા. ૧૨-૭-૧૯૬૦
Jain Education International
ધર્મરત્નનાં અજવાળાં ૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org