________________
પથરા નથી ભરતો; તો શું માણસનું મગજ હાંડલા કરતાં પણ હલકું છે કે જે આવે તે તમે એમાં ભરો છો ! માટે કોઈ તમારી પાસે ખરાબ વસ્તુ સંભળાવવા આવે તો તમારે કહી દેવું જોઈએ કે એવું સાંભળવાનો તમને વખત નથી. એવી ગંદી વસ્તુઓ એક વાર મગજમાં પેસી ગઈ તો પછી એ કાઢવી મુશ્કેલ બને છે. આપણું મગજ બહુ જ નાજુક છે. તેની ઉપર ખરાબ વાતોના આધાત ન પડવા જોઈએ, કારણ કે એવી વાતો ઘર કરી બેસે છે અને પછી કદાચ લાંબે ગાળે નીકળી જાય છે તોય ત્યાં ખાડો મૂકતી જાય છે. માટે આજનું માનસશાસ્ત્ર કહે છે કે, માણસ એના સંસ્કારનું પરિણામ છે. માનસશાસ્ત્ર કરેલાં આવાં બધાં સંશોધનોને પણ આ હકીકત અભિવ્યક્ત કરે છે.
આજે લોકોના વિચારો, વાચનથી પણ અસ્વસ્થ બન્યા છે, કારણ કે માણસો જેવું તેવું, જે કંઈ મળ્યું તે વાંચે છે; જેમ બજારની ભેળ, પાણીપૂરી અને હલકું ખાવાથી માણસ બીમાર પડે છે તેમ. આટલા માટે ઓછું વાંચો પણ સારું વાંચો અને જે વાંચો તેની અસર ચેતના ઉપર થવા દો. એ જ એનો ખરો ખોરાક છે. આથી માણસને માટે વિચારાત્મક સર્જનની કલ્પના પ્રતિક્રમણમાં મૂકવામાં આવી છે.
આજે જાહેરખબરો દ્વારા માનવીનાં મગજ બગડી રહ્યાં છે. આવે કાળે પુસ્તકો એવાં વાંચવાં જોઈએ કે જેમાંથી જીવનને પ્રેરણા મળે. આજે દેહની આસક્તિ વધતી જાય છે અને આત્માની જળકમળવત્ અલિપ્તતા દૂર થતી જાય છે. આજે આપણા અંતરમાં કોઈ મહાન આદર્શ રહ્યો નથી. આપણી ધર્મક્રિયાઓમાં પણ આજે સ્પર્ધાનું અંધ અનુકરણ વધી રહ્યું છે. પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણી જિંદગી તો ફોટોગ્રાફરના કૅમેરાની નેગેટીવ ફિલ્મ જેવી છે. શટર ખૂલતાં જે એની ઉપર પડે એ વસ્તુનું પ્રતિબિમ્બ ઝડપી લે છે.
આથી આપણા મગજમાં આદર્શોનાં આંદોલનો ઊભાં થવાની જરૂર છે. તો જ આપણે આત્માની સાથે એકાકાર થઈ શકીશું. જ્યાં સુધી આવું સંવાદમય સંગીત આપણા આત્મામાં ચાલી રહ્યું છે ત્યાં સુધી જ આપણે સુખી છીએ; વિસંવાદથી જીવનમાં દુઃખ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આવી એકાગ્રતા ન આવે ત્યાં સુધી આપણા જીવનનું કોઈ ધ્યેય આપણે નક્કી કરી શકવાના નથી. આવી એકાગ્રતા જાગે ત્યારે આપણે અહીં બેઠા પણ તીર્થોમાં વિહરી શકીએ છીએ. આપણી કલ્પનાઓ જ પછી આપણને શાન્તિના મધુર વાતાવરણમાં વિહરાવવા લઈ જવા શક્તિશાળી બનશે.
Jain Education International
૪૦ : ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org