________________
છપ્પન તીરથ કરી આવે, પણ શ્વાનપણું નવ જાયે !
એટલે આપણી અંદર શ્વાનપણાનું જે આ તત્ત્વ છે તેનો પલટો કરવો એ જીવનનું ધ્યેય હોવું જોઈએ. પ્રકૃતિસૌમ્યત્વનો અર્થ જ એ કે જીવનનું ક્રૂરતાભરેલું તત્ત્વ નીકળી જાય અને સૌમ્યતા આવે.
આપણે ઉપદ્રવ તો ન કરીએ પણ કોઈનો ઉપદ્રવ આપણને થાય ત્યારેય શાન્તિથી સહન કરીએ. આ ત્યારે જ બને કે જ્યારે આપણામાં પ્રકૃતિ-સૌમ્યત્વ આવ્યું હોય.
મનને શાંત અને કાબૂમાં રાખવું બહુ મુશ્કેલ છે. મનમાં ક્રોધ, અશાન્તિ જાગે ત્યારે મનને સમજાવો. એને પૂછો કે શા માટે એ ક્રોધને વશ થયું છે ? આવે સમયે બહાર ન જોતાં, અંદર દર્શન કરો. ક્રોધભરી લાલ આંખોને શ્વેત કરી નાખો; ગરમ મગજને ઠંડું કરો અને પછી જુઓ તો એની સમજણ કોઈ ઓર જ આવશે.
જ્યારે માણસના મનમાં આવી સંવાદિતા હોય છે ત્યારે એ જે કાંઈ બોલે અને વિચારે તેની પાછળ સત્ત્વ હોય છે, અર્થ હોય છે. ક્રોધ તો વિસંવાદ છે. એમાં માણસ ગાંડો બની જાય છે. વિસંવાદમાં એ જે કાંઈ બોલે છે કે કરે છે, એનું એને પોતાને જ ભાન રહેતું નથી. માટે જ ડાહ્યા માણસો આવા વિસંવાદની પળોએ ચૂપ રહે છે.
જૂના વખતમાં માણસ પોતાના મકાનમાં એક જુદો ખંડ રાખતો. એ ખંડનું નામ ક્રોધાગાર. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ એ ખંડમાં જઈને બેસે. ત્યાં શાન્તિ અને સંવાદિતાનાં પ્રતીકો રાખવામાં આવતાં કે જે એની ક્રોધી પ્રવૃત્તિને શાંત અને સૌમ્ય બનાવતાં. માણસના જીવનમાં આ સંવાદ અત્યંત જરૂરી છે.
મિત્રોની પસંદગીમાં માણસે ખાસ વિવેક વાપરવાનો છે. પરીક્ષા કરીને મિત્રો પસંદ કરવા જોઈએ. ખોટા રૂપિયાની જેમ જો મિત્ર એકવાર ખોટો મળી જશે તો ખરે વખતે એ તમારી આબરૂ લેશે. માટે ખરે વખતે તમને કામ આવે એવા મિત્રો કરો; મુશીબતમાં મૂકે એવા મિત્રોથી દૂર રહો.
પ્રકૃતિ સૌમ્યત્વ માટેનાં સાથીઓ એટલે સારાં પુસ્તકો, સારા મિત્રો, સારું વાતાવરણ. માણસના મન ઉપર વાતાવરણની અસર બહુ ઊંડી છે. તમારા વિચારો જેમ તમારા મન ઉપર સારી-માઠી અસર કરે છે, એમ વાતાવરણ પણ તમારા માનસ ઉપર સારી કે ખરાબ અસર કરે છે.
આ માટે આપણા ઘરની અંદર એવી તેજસ્વી વ્યક્તિઓનાં ચિત્રો જોઈએ કે જે આપણને પ્રત્યેક ક્ષણે એમના દૃષ્ટિબિંદુનું સ્મરણ કરાવે. પ્રકૃતિસૌમ્યત્વ
Jain Education International
૪૨ * ધર્મરત્નનાં અજવાળાં
For Private & Personal Use Only
www.jainelibrary.org