________________
૧૬
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૧૫
स्वारसिकः परिणामः अथवोत्तमगुणार्पणप्रवणः । हन्दि भुजङ्गमनलिकायामसमानो मतो मार्गः ॥ १५ ॥
ગાથાર્થ :
અથવા સાપની નલિકાના આયામ સમાન, ઉત્તમ ગુણને આપવામાં સમર્થ એવો સ્વારસિક પરિણામ માર્ગ કહેવાયેલ છે. ||૧||
ભાવાર્થ :- જીવના માર્ગાનુસારી પરિણામનું સ્વરૂપ :
ગાથા-૬માં બે પ્રકારના માર્ગ બતાવ્યા જે આચરણાત્મક હતા. હવે જીવના પરિણામરૂપ માર્ગ બતાવવા માટે ‘અવા’ થી કહે છે : જે સાધુ વિવેકસંપન્ન હોય તે સાધુ ભગવાનના વચન પ્રમાણે સ્વાભાવિક ચાલવાના પરિણામવાળા હોય છે અને તે તેમનો સ્વારસિક પરિણામ છે અર્થાત્ સ્વ-રસથી ઉત્પન્ન થયેલો પરિણામ છે, અને આ પરિણામ પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત યત્ન કરતા સાધુને જે ગુણ પોતાનામાં વર્તે છે તેનાથી ઉ૫૨નો શ્રેષ્ઠ ગુણ આપવા માટે સમર્થ હોય છે. આથી આવા સાધુ ઉચિત પ્રવૃત્તિ કરીને ઉત્તરોત્તર નિર્લેપદશાની વૃદ્ધિ કરતા હોય છે, અને કયા સ્થાને ઉત્સર્ગથી અને કયા સ્થાને અપવાદથી પ્રવૃત્તિ કરવી, તેની સમ્યગ્ સમાલોચના કરીને, જે પ્રવૃત્તિથી સંયમના કંડકની વૃદ્ધિ થાય તે રીતે યત્ન કરતા હોય છે; અને ક્વચિત્ કોઈ સ્થાનમાં પોતાની મતિની અલ્પતા હોય તો ગીતાર્થને પૂછીને ઉત્સર્ગઅપવાદનો નિર્ણય કરીને તે રીતે પ્રવૃત્તિ કરે છે, જેથી તે પ્રવૃત્તિ એકાંતે ગુણવૃદ્ધિનું કારણ થાય છે.
આ સ્વારસિક પરિણામ કેવો છે તે સ્પષ્ટ બતાવવા માટે કહે છે કે ‘આ સ્વારસિક પરિણામ સાપની નલિકાની લંબાઈ સમાન જીવના અવક્ર પરિણામરૂપ છે.'
સામાન્ય રીતે સાપ વક્ર ચાલવાના સ્વભાવવાળો હોય છે, તેથી તે જે દિશામાં જતો હોય તે દિશામાં જેમ જેમ આગળ જાય તેમ તેમ તેની દિશા ફરતી જાય છે; કેમ કે પ્રકૃતિથી વક્રગતિ કરવાના સ્વભાવવાળો સાપ તે જે દિશા તરફ જતો હોય તે દિશામાં થોડું આગળ જતાં તેની ગમનની પ્રવૃત્તિ દિશાન્તરમાં થઈ જાય છે. તેમ સંસારી જીવો સ્વભાવથી વક્ર ચાલવાના સ્વભાવવાળા છે, તેથી આત્માના હિતકારી એવા ઉત્તમ ભાવોને અનુકૂળ યત્ન કરવા માટે સંયમ ગ્રહણ કરે, અને સાધ્વાચારની ક્રિયા કરે, તોપણ સાપની જેમ વક્ર ચાલવાના સ્વભાવવાળા હોવાથી, તેમની તે સ્ખલનાયુક્ત ક્રિયા ઉત્તમ ગુણ પ્રગટ કરવામાં સમર્થ બનતી નથી.
આમ છતાં પ્રકૃતિથી વક્ર ગતિના સ્વભાવવાળો પણ સાપ કોઈ લાંબી નલિકામાં પ્રવેશ કરે અને નલિકાની અંદરથી પસાર થતો હોય ત્યારે, જોકે સ્વભાવથી વાંકોચૂકો ચાલતો હોય, છતાં પણ દિશાન્તર પામ્યા વિના સીધી દિશામાં જતો હોય છે. તેમ જે સાધુ સંસારથી અત્યંત ભય પામેલા છે, તે સાધુ લેશ પણ આત્મવંચના કર્યા વગર સર્વજ્ઞના વચનને પરતંત્ર રહીને ઉત્સર્ગ અને અપવાદને ઉચિતસ્થાને જોડીને શક્તિના પ્રકર્ષથી ઉચિત ક્રિયા કરવા માટે યત્ન કરે છે, અને અનાભોગ કે સહસાત્કારથી સ્ખલનારૂપ યત્કિંચિત્ વક્રગમન થાય તોપણ, ઉત્તરોત્તર યોગમાર્ગની દિશામાંથી દિશાન્તર ન થાય તે રીતે સમ્યગ્ આલોચનાદિ કરવારૂપ સરળ ગમન કરે છે.