________________
૨૯૬
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૨૧૬-૨૧૭-૨૧૮
શકતા હોય તોપણ ગુરુની ઉચિત ભક્તિ આદિ કરે છે, પરંતુ અવજ્ઞા કરતા નથી; અને આવા સાધુમાં જ ગુરુઆજ્ઞાઆરાધનરૂપ યતિનું સાતમું લક્ષણ હોય છે. ।।૨૧૬॥
અવતરણિકા :
ગાથા-૩થી યતિનાં સાત લક્ષણો કહેવાનો પ્રારંભ કરેલ તે સાતે લક્ષણો ગાથા-૨૧૬માં પૂર્ણ થયાં. હવે તે સાતે લક્ષણોનું વર્ણન કર્યા પછી તે સર્વ કથનના ફલિતાર્થને બતાવે છે —–
ગાથા :
इय सत्तलक्खणधरा, आणाजोगेण गलिअपावमला । पत्ता अनंतजीवा, सासयसुक्खं अणाबाहं ॥ २१७॥ सिज्झिस्संति अणंता, सिज्झति अपरिमिआ विदेहमि । सम्मं पसंसणिज्जो, तम्हा एयारिस साहू ॥२१८॥ इति सप्तलक्षणधरा, आज्ञायोगेन गलितपापमलाः । प्राप्ता अन्नतजीवाः, शाश्वतसौख्यमनाबाधम् ॥ २१७॥ सेत्स्यन्त्यनन्ताः, सिद्ध्यन्ति अपरिमिता विदेहे । सम्यक्प्रशंसनीयस्तस्मादेतादृशः साधुः ॥२१८॥
ગાથાર્થ :
આ પ્રકારના=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારનાં, સાત લક્ષણોને ધારણ કરનારા આજ્ઞાયોગથી= ભગવાનના વચનરૂપ આજ્ઞાના સેવનથી, ગલિત થયેલા પાપમલવાળા=સંસારના પરિભ્રમણના કારણીભૂત મોહને પેદા કરાવનાર એવા પાપમલ વગરના, અનંત જીવો અનાબાધ એવા શાશ્વત સુખને પામ્યા, અનંતા સિદ્ધ થશે, વિદેહમાં=મહાવિદેહમાં અપરિમિત સિદ્ધ થાય છે, તે કારણથી આ પ્રકારના સાધુ સમ્યક્ પ્રશંસા કરવા યોગ્ય છે. ૨૧૦-૨૧૮
ભાવાર્થ :
અત્યાર સુધી સાધુનાં સાત લક્ષણો બતાવ્યાં. આવાં સાત લક્ષણોને ધારણ કરનારા યોગીઓ હંમેશાં ભગવાનના વચન અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેના કારણે તેઓમાં સંસારના પરિભ્રમણને ચલાવે તેવો મોહના પરિણામરૂપ પાપમલ ગળી ગયેલો હોય છે. આવા મોહના પરિણામ વગરના અનંતા જીવો સાધુનાં સાત લક્ષણોના સેવનના બળથી સર્વ બાધાથી રહિત શાશ્વત સુખને પામ્યા; કેમ કે મોહનો નાશ થયા પછી સંસાર ચલાવે તેવું કર્મ રહેતું નથી. તેથી મોહ નાશ કરીને સાધુ કેવલજ્ઞાનને પામે છે અને કેવલજ્ઞાન પામ્યા પછી યોગનિરોધ કરીને ભવનો અંત કરે છે. ભવનો અંત કર્યા પછી સદાકાળ માટે જીવ સર્વકર્મથી મુક્ત બને છે. વળી જીવને બાધા કરનાર કર્મ છે અને કર્મનો નાશ થવાથી અવ્યાબાધ એવા સુખને જીવ સદા માટે પ્રાપ્ત કરે છે.
જેમ યતિનાં સાત લક્ષણોને ધારણ કરનારા અનંતા જીવો ભૂતકાળમાં સિદ્ધ થયા, તેમ અનંતા જીવો યતિનાં આ સાત લક્ષણોનું ભવિષ્યમાં સેવન કરીને અવશ્ય સિદ્ધ થશે.