________________
૩૦૨
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૨૩-૨૨૪
બ્રાહ્મી-સુંદરી આદિના જીવોએ પૂર્વભવમાં એક નાનો અતિચાર સેવ્યો જેના ફળરૂપે તેઓને સ્ત્રીપણું પ્રાપ્ત થયું, તો પછી આ કાળમાં ઘણા અતિચારો સેવનારા એવા પ્રમત્ત સાધુઓનું ચારિત્ર કઈ રીતે મોક્ષનો હેતુ થઈ શકે? અર્થાત્ થઈ શકે નહિ. આ પ્રકારની શંકા કરીને કહ્યું કે બ્રાહ્મી-સુંદરીએ પણ અતિચારોનું આલોચનઆદિ કરેલું, પરંતુ એટલા માત્રથી તેઓના અતિચારની શુદ્ધિ થઈ નહિ. તેમ વર્તમાનમાં લેવાયેલા અતિચારોના પ્રતિપક્ષભાવો ઉલ્લસિત થાય તે પ્રકારે આલોચનાદિ કર્યા વગર, માત્ર શાબ્દિક આલોચના કરનારા અને ઘણા અતિચારો સેવનારા પ્રમત્ત સાધુઓને અતિચારની શુદ્ધિ થાય નહિ, અને તેઓનું ચારિત્ર મોક્ષનું કારણ બને નહિ.
આ પ્રકારે કહીને પછી પંચવસ્તકમાં ખુલાસો કર્યો કે સંયમમાં લાગેલા દરેક અતિચારને આશ્રયીને, અતિચારથી વિરુદ્ધ અધ્યવસાય પ્રગટ થાય તે રીતે જે સાધુ આલોચના આદિ કરે છે, અને લાગેલા અતિચારોની શુદ્ધિ કરે છે, તે સાધુનું સંયમ મોક્ષનું કારણ બને છે.
વળી, જે સાધુ સંયમમાં લાગેલા નાના અતિચારોનું પ્રતિપક્ષ-ભાવન કરીને શુદ્ધિ કરતા નથી, માત્ર આલોચનાદિ ક્રિયાઓ કરે છે, તેઓને નાના અતિચારનું ફળ પણ જન્માંતરમાં સ્ત્રીપણું, દરિદ્રપણું, રોગીપણું આદિ પ્રાપ્ત થશે.
વળી, જે સાધુ સંયમમાં લાગેલા મોટા અતિચારોનું પ્રતિપક્ષ-ભાવન કરીને શુદ્ધિ કરતા નથી, માત્ર આલોચનાદિ ક્રિયાઓ કરે છે, તેઓને મોટા અતિચારોનું ફળ અનેક ભવો સુધી નરકાદિની પ્રાપ્તિ અને ક્લિષ્ટ તિર્યંચ ભવોની પ્રાપ્તિ થશે.
આ પ્રમાણે પંચવસ્તકમાં કહેવાયેલા અર્થપદનું ભાવન કરીને જે સાધુ પોતાના સંયમજીવનમાં થયેલી દરેક સ્કૂલનાઓને સ્મૃતિમાં લાવીને તેના શોધન માટે સમ્યફ યત્ન કરશે તો તેને સમ્યફ રીતે પ્રતિકાર કરાયેલા અતિચારો પોતાનું ફળ આપી શકશે નહિ.
આ પ્રકારે પંચવસ્તુકમાં દર્શાવ્યા પ્રમાણે અર્થપદભાવનથી જે સાધુ સદા અતિચારોના પરિહાર માટે, લાગેલા અતિચારોની શુદ્ધિ માટે યત્ન કરી રહ્યા છે, અને સંસારના કોઈ પદાર્થમાં રાગ-દ્વેષ રાખતા નથી, પરંતુ માત્ર મોક્ષ અને મોક્ષના ઉપાયોમાં જેમને રાગ છે, અને મોક્ષના ઉપાયમાં વ્યાઘાતક એવા પ્રમાદમાં જેમને દ્વેષ છે, એવા શુદ્ધ ચિત્તવાળા સાધુને સંયમમાં કોઈ અતિચારરૂપ દોષલવ પ્રાપ્ત થાય; તોપણ અર્થપદના ભાવનથી તે અતિચારોની શુદ્ધિ માટેની જાગૃતિ આવે છે. જેથી થયેલા અતિચારોની શુદ્ધિમાં સમ્યગુ ઉદ્યમ થાય છે, તેથી ભાવચારિત્ર નાશ પામતું નથી. વર્તમાનમાં આવા સાધુમાં ભાવચારિત્ર છે તે બતાવવા માટે સાક્ષી આપવા અર્થે કહે છે, જે કારણથી કહેવાયું છે; અને તે સ્વયં ગ્રંથકાર આગળની ગાથામાં બતાવે છે. ર૨૩. અવતરણિકા :
વર્તમાનકાળમાં જે સાધુઓ અર્થપદનું ભાવન કરીને પોતાને લાગેલા અતિચારોનું શોધન કરે છે, તે સાધુઓનું ભાવચારિત્ર નાશ પામતું નથી. તેની પુષ્ટિ કરવા માટે પૂર્વગાથામાં કહ્યું કે “જે કારણથી કહેવાયું છે”; તે કથન હવે બતાવે છે –