________________
યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ / ગાથા : ૮૮
ભાવાર્થ :
જે સાધુઓ સંયમ ગ્રહણ કર્યા પછી રસગારવ, ઋદ્ધિગારવ કે શાતાગારવમાંથી કોઈપણ ગારવને વશ થયા હોય તો અપુષ્ટ આલંબન લઈને નિયતવાસાદિકને ગ્રહણ કરે છે.
૧૧૯
આશય એ છે કે વિહારઆદિ પ્રવૃત્તિઓમાં સારા સારા ભોજનની પ્રાપ્તિ દુર્લભ થાય. તેથી રસગારવને વશ થયેલા સાધુ કોઈક અપુષ્ટ=નબળું આલંબન લઈને વિચારે કે ભગવાને તો એકાંતે નવકલ્પી વિહાર કરવાનું કહ્યું નથી, પરંતુ કારણે સ્થિ૨વાસ કરવાનું પણ કહ્યું છે. વસ્તુતઃ આવા કોઈક સારા ભોજનાદિના નબળા આલંબનથી ભગવાને સ્થિરવાસ કરવાનું કહેલ નથી; આમ છતાં રસગારવને વશ થઈને તેઓ સ્થિરવાસ કરે છે, અને મુગ્ધ એવા પોતાના શિષ્યોને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે, અને આ સલંબન છે એવો ભ્રમ પેદા કરાવે છે. આ રીતે રસગારવને વશ થયેલ સાધુ શાસ્ત્ર ભણીને ગીતાર્થ થયા હોય તોપણ, જે સ્થાનમાં ભગવાને નિયતવાસ કરવાનું કહ્યું નથી તે સ્થાનને આશ્રયીને નિયતવાસનો ઉપદેશ આપીને મુગ્ધ શિષ્યોને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે. માટે જે સાધુઓ મધ્યસ્થ છે તેઓ ઉપદેશના અધિકારી છે; પરંતુ શાસ્ત્રના જાણનારા પણ જેઓ રસગારવ આદિને વશ થયેલા છે તેઓ મધ્યસ્થ નહિ હોવાથી દેશના આપવા માટે અધિકારી નથી, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે.
વળી, કોઈક સાધુ ઋદ્ધિગાવને વશ હોય તો વિચારે કે આ સ્થાનમાં રહેવાથી પોતાને માનસન્માન સારા મળે છે અને આવા માન-સન્માન આદિ નિમિત્તને આશ્રયીને કોઈક અપુષ્ટ આલંબન લઈને સ્થિરવાસ કરે છે, અને મુગ્ધ શિષ્યોને અસ્થાને સ્થિરવાસ કરવાનો ઉપદેશ આપીને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે, અને આ સલંબન છે એવો ભ્રમ પેદા કરાવે છે.
વળી, કોઈક સાધુ શાતાના અર્થી હોય તો એવું વિચારે કે વારંવાર વિહારમાં તો શાંતિથી બેસી શકાય નહિ. માટે કોઈક અપુષ્ટ આલંબન લઈને શાતાગારવને વશ એવા તે સાધુ સ્થિરવાસ કરે છે, અને મુગ્ધજનોને અસ્થાને સ્થિરવાસ કરવાનો ઉપદેશ આપીને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે, અને આ સલંબન છે એવો ભ્રમ પેદા કરાવે છે.
આ રીતે પોતાના ગારવોને પોષવા માટે તેઓ પૂર્વના મહાપુરુષોએ અપવાદથી સેવેલા નિયતવાસાદિના દૃષ્ટાંતને આપે છે; જેમ કે સંગમાચાર્ય પણ સ્થિરવાસમાં રહ્યા હતા છતાં તેઓ સુસાધુ હતા, તેમ અમે પણ સ્થિરવાસ કરીએ એટલામાત્રથી અમારા સંયમનો નાશ થતો નથી. વળી, જે સાધુઓ ઋદ્ધિગારવના રસિયા છે, તેઓ વજસ્વામીએ ચૈત્યભક્તિ માટે પુષ્પોથી ભક્તિ કરી હતી તે દૃષ્ટાંત આપીને, પોતે પણ જિનાલયો માટે શ્રાવકોને અનેક જાતની પ્રેરણા આપવામાં ધર્મ માનીને ઉપદેશ આપે છે, અને તે દ્વારા પોતાનામાં રહેલા ઋદ્ધિગારવને પુષ્ટ કરે છે, અને મુગ્ધજનોને આવો ઉપદેશ આપીને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે.
વળી, જે સાધુઓ રસગારવવાળા છે અને પોતે વિગઈઓના સેવન વગર પણ સંયમનું પાલન કરી શકે તેવા છે, તેઓ પણ અપવાદથી વિગઈ સેવનારા પૂર્વના મહાપુરુષોનાં દૃષ્ટાંત બતાવીને પોતાની અનુચિત પ્રવૃત્તિને પણ ઉચિત પ્રવૃત્તિ છે તેમ બતાવીને ભ્રમ પેદા કરાવે છે, અને મુગ્ધજનને તે પ્રમાણે ઉપદેશ આપીને પ્રમાદરૂપી ખાડામાં પાડે છે.