________________
૧૬૦
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૧૨
-
યતિનું પાંચમું લક્ષણ ‘શક્ય અનુષ્ઠાનમાં પ્રારંભ'
અવતરણિકા :
ગાથા-૩-૪માં સાધુનાં સાત લક્ષણો બતાવેલ. તેમાં પ્રથમ ચાર લક્ષણનું વર્ણન પૂરું થયું. હવે પાંચમું લક્ષણ “શક્ય અનુષ્ઠાનમાં પ્રારંભ” બતાવે છે –
ગાથા :
अणुबंधजुअं कुसलो, णिव्वोढुं अप्पणो अ अपमायं । आयगुरुलिंगपच्चय-सुद्धं सक्कं चिय कुणंतो ॥ ११२॥ अनुबन्धयुतं कुशलो निर्वोढुमात्मनश्चाप्रमादम् । आत्मगुरुलिङ्गप्रत्ययशुद्धं शक्यमेव कुर्वन् ॥११२॥
ગાથાર્થ :
પોતાના જ અપ્રમાદને વહન કરવા માટે આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યયથી શુદ્ધ, અનુબંધયુક્ત, શક્ય જ અનુષ્ઠાનને કરતા સાધુ કુશલ છે. ||૧૧૨||
* ‘ગળો' પછી 'અ' શબ્દ ‘Ç' ના અર્થમાં છે.
ભાવાર્થ :- આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યયથી અનુષ્ઠાનમાં ઉધમ કરવાની વિધિ : સંયમ ગ્રહણ કર્યા પછી જે અનુષ્ઠાનથી વિશેષ નિર્જરા થાય તે અનુષ્ઠાન સાધુએ સેવવાનું છે. આ અનુષ્ઠાનના સેવનથી પોતાને વિશેષ નિર્જરા થશે કે નહિ તેનો નિર્ણય કરવા માટે ત્રણ ઉપાય છે :
:
(૧) આત્મપ્રત્યય : સાધુને પોતાને એમ લાગે કે શાસ્ત્રમાં જે રીતે અનુષ્ઠાનનું સ્વરૂપ બતાવ્યું છે તે રીતે શાસ્ત્રવિધિ જાણ્યા પછી તે અનુષ્ઠાન કરવા માટે હું સમર્થ છું, અને વિધિઅનુસાર કરીને હું નિર્લેપતા સંપન્ન કરી શકીશ, તો તે અનુષ્ઠાન કરવાનો નિર્ણય કરે, તો તે અનુષ્ઠાન પોતાની પ્રતીતિથી શુદ્ધ છે. તેથી તે અનુષ્ઠાનને આત્મપ્રત્યયથી શુદ્ધ અનુષ્ઠાન જાણવું.
(૨) ગુરુપ્રત્યય : વળી, ગુરુને એમ લાગે કે આ અનુષ્ઠાન કરવા માટે આ શિષ્યની યોગ્યતા છે તેથી તે શિષ્ય તે અનુષ્ઠાન કરવા માટે અધિકારી છે, ત્યારે તેને તેની ભૂમિકા અનુસાર તે અનુષ્ઠાન કરવા માટે કહે, તો તે અનુષ્ઠાન ગુરુની પ્રતીતિથી શુદ્ધ અનુષ્ઠાન છે અર્થાત્ તે અનુષ્ઠાન ગુરુપ્રત્યયથી શુદ્ધ અનુષ્ઠાન જાણવું.
(૩) લિંગપ્રત્યય : વળી, પોતાની પ્રતીતિ અને ગુરુની પ્રતીતિથી તે અનુષ્ઠાન કરવા માટે શિષ્ય ઉત્થિત થાય, તે સમયે કોઈક મંગલનાં સૂચક બાહ્ય ચિહ્નોની પ્રાપ્તિ થાય, અને શિષ્યને નિર્ણય થાય કે “જે અનુષ્ઠાન કરવા હું ઇચ્છું છું તેમાં હું સફળ થઈશ”, તેથી તે અનુષ્ઠાન કરવાનો નિર્ણય કરે, તો તે અનુષ્ઠાન લિંગપ્રત્યયથી શુદ્ધ અનુષ્ઠાન જાણવું. જો કોઈક અમંગલનાં સૂચક બાહ્ય ચિહ્નોની પ્રાપ્તિ થાય તો શાસ્ત્રમાં નિષેધ હોવાથી તેવા અનુષ્ઠાનનો આરંભ કરે નહિ.