________________
૧૬૨
યતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ | ગાથા : ૧૧૩-૧૧૪
ભાવાર્થ :
જે અનુષ્ઠાન સેવીને અધિક નિર્જરા થાય તે અનુષ્ઠાનનું સેવન સાધુએ કરવું જોઈએ અને તેના માટે પોતાની શક્તિનો વિચાર કરીને તેણે અનુષ્ઠાનનો સ્વીકાર કરવો જોઈએ. વળી જો પોતાની શક્તિનો વિચાર કર્યા વગર સાધુ ભાવના અતિશયમાં આવીને પોતાની શક્તિથી ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને સહસા સ્વીકારે, અને કદાચ બાહ્ય રીતે તે અનુષ્ઠાન કરે, તોપણ તે અનુષ્ઠાનથી ઉચિત ભાવની વૃદ્ધિ નહિ થવાને કારણે તે સાધુ અશક્યચારી છે તેમ કહેવાય. આવા અશક્ય અનુષ્ઠાનને કરનારા સાધુ તે અનુષ્ઠાનનું સેવન કરે છે પણ તેના દ્વારા સંયમની શુદ્ધિને પ્રાપ્ત કરી શકતા નથી, તેથી પાછળથી તે અત્યંત પ્રમાદમાં પડે છે. આથી દુષ્કર એવી પણ તેની ક્રિયા ખલમિત્રના જેવી હોવાથી પ્રશંસનીય નથી અર્થાત્ જેમ ખલમિત્ર પાછળથી ગમે ત્યારે અહિતનું કારણ બને તેવો હોય છે, તેમ ઉત્સાહના વેગથી અશક્ય અનુષ્ઠાનનું સેવન કિંચિત કાળ થાય, તોપણ પાછળથી પ્રમાદમાં નાખીને ઘણું અહિત કરે તેવું છે, માટે યોગ્ય નથી. તેથી મોક્ષના અર્થી સાધુએ જે અનુષ્ઠાન સેવીને પોતે નિર્જરા કરી શકે અને અંતરંગ રીતે સંવેગના ભાવની વૃદ્ધિ કરી શકે, તેવા શક્ય અનુષ્ઠાનમાં પ્રયત્ન કરવો જોઈએ. ll૧૧૩ અવતરણિકા :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે જે સાધુ અશક્ય અનુષ્ઠાન કરે છે તે પાછળથી પ્રમાદમાં પડે છે, માટે તેની ક્રિયા પ્રશંસનીય નથી. આ કથનને દઢ કરવા માટે કહે છે –
ગાથા :
दव्वाइनाणनिउणं, अवमन्तो गुरुं असक्कचारि जो । सिवभूइव्व कुणंतो, हिंडइ संसाररन्नंमि ॥१४॥ द्रव्यादिज्ञाननिपुणमवमन्यमानो गुरुमशक्यचारि यः ।
शिवभूतिरिव कुर्वन् हिण्डति संसारारण्ये ॥११४॥ ગાથાર્થ :
દ્રવ્યાદિ જ્ઞાનમાં નિપુણ એવા ગુરુની અવજ્ઞા કરતા, (અને) અશક્યચારીને કરતા અશક્યચારી અનુષ્ઠાનને કરતા, જે સાધુ છે તે સાધુ શિવભૂતિની જેમ સંસારઅરણ્યમાં ભટકે છે. ll૧૧૪ના
ભાવાર્થ - શક્તિ કરતા વધુ ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને સ્વીકારવાથી થતા અનર્થમાં શિવભૂતિનું દષ્ટાંતા
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ક્યા શિષ્ય કર્યું અનુષ્ઠાન કરવું ઉચિત છે તે ગીતાર્થ સાધુ જાણે છે, અને તે ગીતાર્થના વચન અનુસાર ઉચિત અનુષ્ઠાનનું સેવન જો શિષ્ય કરે તો તે અનુષ્ઠાન અપ્રમાદભાવથી થાય અને શિષ્યને ઘણી નિર્જરા થાય. પરંતુ જે સાધુમાં વક્રતા છે તે દ્રવ્યાદિકના જાણકાર એવા ગીતાર્થગુરુની અવજ્ઞા કરીને, પોતાની શક્તિનો વિચાર કર્યા વગર રાભસિક વૃત્તિથી “જે અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ હોય તે મારે કરવું છે” તેવો વિચાર કરીને પોતાની શક્તિથી ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને સ્વીકારે, તો તે સાધુ શિવભૂતિની જેમ સંસારઅટવીમાં ભટકે છે. શિવભૂતિનો તે પ્રસંગ આ પ્રમાણે છે